છોટા ઉદેપુર જીલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો હાલમાં ખાતરની તીવ્ર અછત અને સરકારી નિયમોના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શિયાળુ પાકની સિઝન પુરબહારમાં હોવા છતાં, પૂરતું ખાતર ન મળવાને કારણે ઊભા પાકને નુકસાન થવાનો ગંભીર ભય સર્જાયો છે.
ખેડૂતોને ખાતર મેળવવા માટે સહકારી મંડળીઓની બહાર અડધી રાતથી, એટલે કે સવારના 3 વાગ્યાથી જ લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. બે થેલી ખાતર માટે રાત્રિના 3 વાગ્યાથી ધક્કા બિલવાંટ ગામના ખેડૂત રાજુરાઠવાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે રંગપુર મંડળીમાં સવારના ત્રણ વાગ્યાના આવ્યા છીએ, તેમ છતાં અમને બે થેલી જ ખાતર આપવામાં આવે છે. લાઈન બહુ લાંબી હોય છે. છોટા ઉદેપુર કે બોડેલી સુધી જઈએ તો પણ ત્યાં પણ લાઈન જ હોય છે. સરકાર ખાતર ડેપોમાં વધુ જથ્થો મોકલે તેવી અમારી માંગણી છે, નહીંતર પાક બગડી જશે. પાક બગડી ગયા પછી રજીસ્ટરમાં અહીં સહી કરો, ત્યાં સહી કરો…કહે છે. સરકારે બધા ખેડૂતને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
અન્ય ખેડૂત જતન રાઠવાએ જણાવ્યું કે, અમે ખાતર માટે રોજના રખડીએ છીએ. એક-એક કે બે-બે થેલી ખાતર આપે છે. આધારકાર્ડથી અંગૂઠો પડી જાય તે છતાંય પૂરતું ખાતર મળતું નથી. અમે રોજના ત્રણ-ત્રણ વાગ્યાના ધક્કા ખાઈએ છીએ, પણ ખાતર મળતું નથી. સરકારને અમારી એટલી જ માગણી છે કે ખાતર તો જોઈએ જ.
કમોસમી વરસાદ બાદ હવે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન ખેડૂતો અગાઉ કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનમાંથી હજી બહાર આવ્યા નથી. તેવામાં શિયાળુ પાક માટે અત્યંત જરૂરી એવા ખાતરની અછત સર્જાતા તેમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે. આધારકાર્ડ દ્વારા ફિંગર વેરિફિકેશન થઈ ગયા પછી પણ પૂરતો જથ્થો ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મંડળી મંત્રીનો ખુલાસો: 20% ઓછો જથ્થો અને કાર્ટિંગનો અભાવ રંગપુર સહકારી મંડળીના મંત્રી ખુમાસિંહ રાઠવાએ આ અછત પાછળના કારણોનો ખુલાસો કર્યો હતો:
” સરકારી નિયમો: પહેલાં જે ખાતર મળતું હતું, તેમાં અત્યારે સરકારના નિયમ મુજબ 20% ઓછું કરવાથી અમને પણ પૂરેપૂરૂં ખાતર મળતું નથી.
” ટ્રાન્સ્પોર્ટેશન સમસ્યા: આ રાઠ વિસ્તાર ગુજરાતનું છેલ્લું ગામડું હોવાથી કોઈ ગાડીવાળા પણ ખાતર લાવવા માટે તૈયાર થતા નથી. એટલે પૂરેપૂરૂં ખાતર મળતું નથી.
” નિયત ફાળવણીનો અભાવ: તેમણે ઉમેર્યું કે, અહીંના અમને માત્ર બે કે ત્રણ જ ગાડી મળી છે. આ મહિનામાં નર્મદા ખાતરની બે ગાડી મળી અને કૃભકોનું ખાતર એક પણ ગાડી મળ્યું નથી. ફાળવણીનું કાંઈ નક્કી હોતું નથી.
મંડળીના મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, વિશ્ર્વાસ જાળવી રાખવા માટે તેઓ દરેક ખેડૂતને એક કે બે થેલી આપી રહ્યા છે, કારણ કે જો વધારે જથ્થો નહીં આવે તો તેઓ પહોંચી વળી શકે તેમ નથી. સરહદી વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે વ્યવસ્થા કરવાની માગણી કરી છે, જેથી તેમનો ઊભો પાક નિષ્ફળ ન જાય.