
છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ગાડીને દેવલિયા પાસે અકસ્માત નડ્યો છે. એક બોલેરો ચાલકે તેમની ગાડીને ટક્કર મારતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કલેક્ટર અને તેમના બોડીગાર્ડનો આબાદ બચાવ થયો છે, જ્યારે ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
કલેક્ટર ગાર્ગી જૈન આજે બોડેલીની નવજીવન હાઈસ્કૂલ ખાતે ‘કલેક્ટર ઇન ક્લાસરૂમ’ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. દેવલિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.સામેથી આવી રહેલા બોલેરો ચાલકે કલેક્ટરની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ બોલેરો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી.
કલેક્ટરની ગાડીના ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ તૂટી જતાં ડ્રાઈવરને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગાડીને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. પોલીસે બોલેરો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
