બોડેલી નવજીવન હાઈસ્કૂલમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજયો

અલીપુરા સ્થિત નવજીવન હાઈસ્કૂલ ખાતે આગામી ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવ્યું હતું.

BAPS સ્વામિનારાયણ મંદિર બોડેલીના રત્નસ્વામીએ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં શિક્ષણ અને પરીક્ષાનું વિશેષ મહત્વ છે. સફળતા માટે નિશ્ચિત ધ્યેય, સખત મહેનત, વ્યવસ્થિત આયોજન અને ભગવાનમાં શ્રદ્ધા જ‚રી છે. ક્ષમાશીલ સ્વામીએ પણ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

શાળાના સુપરવાઈઝર એસ.જે.અન્સારીએ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં રાખવાની સાવચેતીઓ, સમયપાલન અને પ્રશ્ર્નપત્ર લખવાની પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય એકનાથ જાધવે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને શાળા તેમજ માતા-પિતાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી આશિષ પટેલ અને જતીન પંચોલી પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે શાળા જીવનની યાદોને કંડારવા માટે વિશેષ ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓએ સમૂહ અલ્પાહાર કર્યો હતો.