
-ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ.
બોડેલી સહિત છોટાઉદેપુર જીલ્લામાં વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બોડેલીના અલીપુરા ખાતે આદિવાસી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું.
આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને વાદ્યો સાથે જોડાયા હતા. સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે ૯મી ઓગસ્ટના રોજ વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે, ત્યારે છોટાઉદેપુર જીલ્લામાં પણ આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

બોડેલીના અલીપુરા ખાતે ગોપેશ્ર્વર મહાદેવ મંદિરથી આદિવાસી સમાજ દ્વારા રેલીનો પ્રારંભ કરાયો હતો. આ રેલીમાં બોડેલી સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાક અને આભૂષણો ધારણ કરી જોડાયા હતા.
રામઢોલ અને પીહા જેવા પરંપરાગત વાદ્યોના તાલે આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. પાળિયા, લાઠી તેમજ તીર-કામઠા જેવા પરંપરાગત પ્રતીકો સાથે લોકો ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા.
રેલી બોડેલીના અલીપુરા ચાર રસ્તા ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડાનું પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત, ભારતરત્ન ડો. બાબા આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.