બોડેલી હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ અને એક અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ નોંધાઈ

બોડેલી ઢોકળીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ અને એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ બોડેલી પોલીસે ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. નિતિન શાંતિલાલ ચોકસી નામના અરજદારે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી.

અરજદાર નિતિન શાંતિલાલ ચોકસીએ બોડેલી કોર્ટમાં પાંચ ટ્રસ્ટીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ, કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે બોડેલી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અરજદારની અરજી મુજબ, બોડેલી ઢોકળીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં હાલ 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા છે. તેમાંથી 13 ટ્રસ્ટીઓ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે, અને એક ટ્રસ્ટીએ ભારતનું નાગરિકત્વ છોડી વિદેશી નાગરિકત્વ મેળવ્યું છે, તેમ છતાં તેમને હજુ પણ ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.અરજીમાં જણાવાયું છે કે, મૃતક અને ગેરહાજર ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરીને ઠરાવો કરવામાં આવ્યા હતા. ખોટા હિસાબોને મંજૂરી આપી, દાન અને આવકમાં ગેરરીતિ આચરી, હોસ્પિટલ માટે ખરીદવામાં આવતી દવાઓ, મશીનરી અને સ્ટાફના પગારમાં ચેડાં કરવામાં આવ્યા હતા.

વધુમાં, ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદેસર વેચાણ અને ભાડાઓ સંબંધિત ઠરાવોમાં પણ ખોટી સહીઓ કરીને મોટા પાયે નાણાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. કંચનભાઈ મણિભાઈ પટેલે ખોટી રીતે ટ્રસ્ટીઓ ઊભા કરી, તેમની સાથે મળીને રજનીકાંત રસિકલાલ ગાંધીને ઉપપ્રમુખ, ઈશ્ર્વરભાઈ મણિભાઈ ઠક્કરને મંત્રી અને બાબુલાલ ચીમનલાલ પટેલ (કંસારા)ને સહમંત્રી જેવા હોદ્દાઓ ગેરકાયદેસર રીતે અપાવ્યા હોવાનો પણ આક્ષેપ છે.

અરજદારે 11 જૂન 2025ના રોજ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. ત્યારબાદ નિતિન શાંતિલાલ ચોકસીએ કંચનભાઈ મણિભાઈ પટેલ, રજનીકાંત રસિકલાલ ચોકસી, ઈશ્ર્વરભાઈ મણિલાલ ઠક્કર, બાબુલાલ મણિલાલ પટેલ, શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશ બાદ બોડેલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.