
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કથિત રીતે પકડવાની અમેરિકાની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર આકરા સવાલ ઉઠાવ્યા. ઓવૈસીએ કહ્યું કે જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા દેશના રાષ્ટ્રપતિને પકડવા માટે પોતાની સેના મોકલી શકે છે, તો ભારત સરકાર ૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને પાકિસ્તાનથી કેમ ન લાવી શકે.
મુંબઈમાં એક જાહેર રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું, આજે આપણે જોયું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દળોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડીને અમેરિકા લઈ ગયા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ લેતા પ્રશ્ર્ન કર્યો કે જ્યારે અમેરિકા અને સાઉદી અરેબિયા જેવા દેશો તેમની લશ્કરી શક્તિનો ઉપયોગ કરી શકે છે ત્યારે ભારત આવી કાર્યવાહી કેમ ન કરી શકે.
ઓવૈસીએ કહ્યું, મોદીજી, જો તમારી પાસે ૫૬ ઇંચની છાતી છે, તો તમે ૨૬/૧૧ ના ગુનેગારોને પાકિસ્તાનથી ભારતમાં કેમ નથી લાવતા? લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ હજુ પણ મુંબઈમાં સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓ સામે ન્યાયની રાહ જોઈ રહ્યો છે.
નોંધનીય છે કે ઓવૈસીનું નિવેદન તાજેતરમાં વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીના સંદર્ભમાં આવ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે યુએસ વિશેષ દળોએ એક મોટા ઓપરેશનમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કરી હતી અને તેમને યુએસ લઈ ગયા હતા. ટ્રમ્પના મતે, આ ઓપરેશન યુએસ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું, અને માદુરો પર ડ્રગ્સની હેરફેર અને ગુનાહિત ષડયંત્રના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. યુએસ વહીવટીતંત્રે એમ પણ કહ્યું કે માદુરો પર યુએસ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.