દે.બારીઆ-છોટાઉદેપુર સ્ટેટ હાઈવે માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓને લઈ રાહદારીઓમાં રોષ

દે.બારીઆથી છોટાઉદેપુર જતાં રાજય માર્ગ પર ઠેર ઠેર પડેલા ઉંડા ખાડાઓને કારણે સ્થાનિક લોકો તથા મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન ચલાવવુ જોખમી બન્યુ છે. જયારે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. છતાં વહીવટી તંત્ર દ્વારા માર્ગની મરામત અંગે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ નથી.

દે.બારીઆ ભે દરવાજાથી શરૂ થઈને સાગટાળા, ડભવા, ફાગિયા સુધીનો માર્ગ છેલ્લા ધણા સમયથી અત્યંત નબળી સ્થિતિમાં છે. રાજય માર્ગ તરીકે ઓળખાતો આ મુખ્ય માર્ગ ખાડાઓનુ ૃસામ્રાજય બની ગયો છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હોવાના કારણે ખાસ કરીને મોટરસાયકલ ચાલકો માટે સંતુલન જાળવીને વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. સરેઆમ જોખમ ભરેલા આ માર્ગ ઉપર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે. તાલુકા તેમજ જિલ્લાના રાજકારણીઓ તાજેતરમાં વિવિધ સ્થળોએ નવનિર્મિત માર્ગોના ખાતામુર્હુતોમા વ્યસ્ત દેખાઈ રહ્યા છે. ત્યારે દે.બારીઆ-છોટાઉદેપુર માર્ગ જેવી અતિજરૂરી સુવિધા પર તંત્રનુ ઘ્યાન ન જતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. જેથી તાત્કાલિક આ માર્ગની નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.