
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, એઆઇએમઆઇએમએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી સાથે જાડાણની જાહેરાત કરી છે. હુમાયુ કબીર તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા, પરંતુ ગયા વર્ષે ટીએમસીએ તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા, ત્યારબાદ કબીરે એક નવી પાર્ટી, આમ જનતા ઉન્નયન પાર્ટી બનાવવાનો નિર્ણય લીધો હતો.
હુમાયુ કબીરે આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે ૧૫ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. હુમાયુ કબીર પોતે રેજીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. હુમાયુ કબીર મુર્શિદાબાદ જિલ્લાની બે બેઠકો પરથી ચૂંટણી લડશે, જેમાં રેજીનગર અને નવાલાનો સમાવેશ થાય છે.
હુમાયુ કબીર મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ પુનઃનિર્માણ કરી રહ્યા છે, જેના માટે તેમને કરોડો રૂપિયાનું દાન મળ્યું હોવાનું કહેવાય છે. બાબરી મસ્જિદ ના નિર્માણમાં તેમની ભૂમિકા માટે તેઓ તાજેતરમાં સમાચારમાં છે, અને તેમને મળેલા જાહેર સમર્થનને જાતાં, એવું માનવામાં આવે છે કે હુમાયુ કબીર અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી વચ્ચેનું જાડાણ આગામી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારોમાં શાસક ટીએમસીને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.
પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતદારો ૮૫ બેઠકો પર નિર્ણાયક સ્થાન ધરાવે છે. આ બેઠકો પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છેઃ મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર, બીરભૂમ અને દક્ષિણ ૨૪ પરગણા. આ જિલ્લાઓ મુસ્લિમ બહુમતીવાળા છે, મુર્શિદાબાદમાં ૬૬%, માલદામાં ૫૧%, ઉત્તર દિનાજપુરમાં ૪૯%, બીરભૂમમાં ૩૭% અને દક્ષિણ ૨૪ પરગણામાં આશરે ૩૫% મુસ્લિમ વસ્તી છે.
૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં, ટીએમસીએ આ જિલ્લાઓમાં ૮૫ વિધાનસભા બેઠકોમાંથી ૭૫ બેઠકો જીતી હતી. મુર્શિદાબાદ જિલ્લામાં ૨૨ વિધાનસભા બેઠકો છે, અને હુમાયુ કબીરનો ત્યાં નોંધપાત્ર પ્રભાવ છે. બાબરી મસ્જિદના નિર્માણની તેમની શરૂઆતથી જિલ્લામાં હુમાયુ કબીરનો ટેકો વધુ મજબૂત બન્યો છે. તેથી, જા હુમાયુ કબીર-એઆઇએમઆઇએમ ગઠબંધન મુર્શિદાબાદ અને અન્ય મુસ્લિમ બહુમતીવાળા મતવિસ્તારોમાં થોડા ટકા મત મેળવવામાં સફળ થાય છે, તો તે ટીએમસીની જીતની ગણતરીઓને બગાડી શકે છે. વધુમાં, કોંગ્રેસ અને ડાબેરીઓ પણ મુસ્લિમ બહુમતીવાળા મતવિસ્તારોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે હુમાયુ કબીર-એઆઇએમઆઇએમ ગઠબંધન ટીએમસી નેતૃત્વ માટે ચિંતા પેદા કરે છે. બંગાળમાં ૨૯૪ વિધાનસભા બેઠકો છે, જેના માટે મતદાન ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.