બાલાસિનોરમાં રાજપુરી દરવાજાથી નિશાળ ચોક સુધીના મુખ્ય રસ્તા પર સ્થાયી અને હંગામી દબાણોના અજગરીસ ભરડાના કારણે લગભગ દર ૧૫ મિનીટે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. જેના કારણે અહિંથી પસાર થતાં સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્ર્નનુ નિરાકરણ લાવવા માટે અસરકારક કાર્યવાહી કરવાને બદલે નગરપાલિકા અને પોલીસ તંત્ર મુકપ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.
બાલાસિનોર શહેરમાં રાજપુરી દરવાજાથી નિશાળ ચોક સુધીનો રસ્તો શહેરનો મુખ્ય રોડ છે. અહિં વહેલી સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. રસ્તાની બંને તરફ દુકાનોની બહાર વ્યાપક પ્રમાણમાં સામાન ખડકી દેવામાં આવે છે. બીજી તરફ ખરીદી કરવા માટે આવતા લોકોના વાહનો રસ્તા પર મનફાવે તેમ પાર્ક થયેલા હોય છે. લારી-પથારાવાળાના દબાણો પણ વધી રહ્યા છે. એકંદરે અમુક સમયે તો આ રોડ પર વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. વળી આ ટ્રાફિક જામને ક્લિયર કરાવવા કે ટ્રાફિકના નિયમન માટે પોલીસનો સ્ટાફ પણ હાજર નથી હોતો.બીજી તરફ નગરપાલિકા તંત્ર દબાણો સામે આંખ આડા કાન કરી રહ્યુ છે. પરિણામે સામાન્ય નાગરિકોએ હાડમારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીકઅવર્સ દરમિયાન આ રોડ પરથી ટુ-વ્હિલર લઈને પસાર થઈ શકાય તેવી હાલત હોતી નથી. ટ્રાફિક જામમાં ફસાઈ જતાં લોકોનો સમય અને ઈંધણનો વ્યય થાય છે. થોડા સમય પહેલા પાલિકા અને પોલીસના સ્ટાફે બજારમાં ફરીને દુકાનો બહાર સામાન નહિ રાખવા તેમજ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા તાદિક કરી હતી પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી. એક ટકાનો પણ ફર્ક પડ્યો નથી. ત્યારે અહિં નિયમિત રીતે દબાણ હટાવી કાર્યવાહી થાય અને ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે તેમજ દર સપ્તાહે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠી છે.