
ડાયરા કલાકાર માયાભાઈ આહિરે એકથી વધુ વખત યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા
પૂજનીય બજરંગદાસબાપાના તીર્થધામ બગદાણાના પૂર્વ સરપંચની થયેલી મારપીટ અને તેમાં લોકપ્રિય ડાયરા કલાકાર માયાભાઈ આહિરના દીકરાની સંડોવણીના આરોપ બાદ હવે એ વ્યક્તિગત ઝગડો મટીને બે સમુદાય વચ્ચેનો વિખવાદ બની રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીની એન્ટ્રી પછી પોલીસે ઝડપી ગતિ દાખવીને આરોપીઓને ઝડપી લીધાનો દાવો કર્યો અને લોકલાગણી મુજબ વરઘોડો પણ કાઢ્યો, પરંતુ આ કિસ્સામાં ભીનું સંકેલીને સૌને રાજી રાખવામાં આવી રહ્યા હોવાનું ચોમેર ચર્ચાઈ રહ્યું છે.
બગદાણા સ્થિત તીર્થધામ ભારે લોકપ્રિય છે. મનજીબાપા તેનાં મુખ્ય ટ્રસ્ટી હતા પરંતુ તેમના અવસાન બાદ ટ્રસ્ટીઓમાં મતભેદ હોય કે ખેંચતાણ હોય, કોઈક અકળ કારણોસર મેનેજિંગ ટ્રસ્ટીનો હોદ્દો ખાલી રખાયો છે. એવું કહેવાય છે કે બે જૂથ પોતપોતાના ઉમેદવારને મુખ્ટ ટ્રસ્ટી બનાવવા પ્રયત્નશીલ હોવાથી મેનેજિંગ ટ્રસ્ટીનો નિર્ણય લઈ શકાતો નથી. છતાં બંને પક્ષો પોતાનો હાથ ઉપર રહે એ માટે સતત પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે.
હાલના વિવાદના પાયામાં જેમનું નામ છે એ યોગેશ સાગર મૂળ સૌરાષ્ટ્રના વતની અને પરજિયા સોની છે. લાંબા સમયથી મુંબઈમાં વસતાં યોગેશ સાગર ત્યાં ચારકોપ વિધાનસભા બેઠક પરથી સળંગ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપના ધારાસભ્ય છે. ઉપરાંત તેઓ બજરંગદાસબાપાના શિષ્ય તરીકે બગદાણા આશ્રમના ટ્રસ્ટી પણ છે. હાલ તેઓ મેનેજિંગ ટ્રસ્ટી બનવા ઈચ્છુક હોવાનું પણ કહેવાય છે.
ગત ૨૪ ડિસેમ્બરે મુંબઈના કાંદીવલી ખાતે બજરંગદાસબાપાની સ્મૃતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જે યોગેશ સાગરનો મતવિસ્તાર હોવાથી આયોજનમાં તેમનો સહયોગ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયરા કલાકાર માયાભાઈ આહિરે એકથી વધુ વખત યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. આ વીડિયો વાઈરલ થયા બાદ બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને તેમનું યાન દોર્યું હતું કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી અને યોગેશ સાગર પણ અન્યોની માફક ફક્ત ટ્રસ્ટી જ છે. આથી માયાભાઈએ ભૂલ સુધારી લેવાના નામે નવો વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી અને પોતાની સરતચૂક બદલ માફી માંગી લીધી હતી.
નવનીત બાલધિયા બગદાણાના પૂર્વ સરપંચ અને પંથકમાં અગ્રણી તરીકે જાણીતા છે. માયાભાઈનું વતન બોરડા પણ એ જ વિસ્તારમાં આવેલું છે. નવનીત બાલધિયાએ ટકોર કર્યા પછી માયાભાઈએ વીડિયો જાહેર કર્યો તેનાં કેટલાંક દિવસ બાદ માયાભાઈના પુત્ર તળાજા તાલુકા યુવા ભાજપના અગ્રણી જયરાજ આહિરે નવનીતને ફોન કરીને મળવા કહ્યું હતું. એ પછી બીજા દિવસે રાત્રે નવનીત પર ઘાતક હુમલો થયો અને તેનાં હાથ-પગમાં ફ્રેક્ચર થયા હતા. હુમલા પછી નવનીતે પોલીસ સમક્ષ બે નિવેદન આપ્યા હતા. પ્રથમ નિવેદનમાં તેણે રેતી-ખનીજ ચોર ટોળકીના અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનો સંદેહ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજા નિવેદનમાં તેણે સ્પષ્ટપણે નામ આપીને માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સાગરિતોએ હુમલો કરાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
સૌરાષ્ટ્રમાં કોળી સમાજ પરશોતમ સોલંકી, હીરા સોલંકીના નેતૃત્વ હેઠળ મજબૂત એક્તા ધરાવે છે. આ કેસમાં નવનીત બાલધિયાની તરફે હીરા સોલંકીની એન્ટ્રી પછી મામલો આહિર-કોળી વિવાદ તરફ ધસી જાય એવી શક્યતા ઊભી થઈ છે. કારણ કે માયાભાઈ આહિર સમગ્ર પંથકના આહિરોમાં લોકપ્રિય છે. માયાભાઈને રાજુલાના પૂર્વ ધારાસભ્ય, યુવા આહિર નેતા અને હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અંબરિષ ડેર સાથે અંગત મિત્રતા છે. કેટલાંક સમય પહેલાં તેઓ બંને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે વડાપ્રધાન મોદીની મુલાકાતે ગયા હોવાની તસવીરો પણ વાઈરલ થઈ હતી. આથી આ વિવાદમાં ઝુકાવીને હીરાલાલ એક કાંકરે બે પક્ષી આંટવા પ્રયત્નશીલ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ઈજાગ્રસ્ત નવનીત બાલધિયાના નિવેદન મુજબ જયરાજ આહિરની સંડોવણી વિશે નામ પાડીને કશો આરોપ મૂકવાનું હીરાલાલે ટાળ્યું છે. તત્કાળ અસરથી તેમણે પી.આઈ.ની બદલી કરાવી નાંખી અને કથિત આરોપીઓનો પોલીસે વરઘોડો પણ કાઢ્યો. પરંતુ નવનીતે જયરાજ આહિરનું નામ આપવા છતાં હજુ સુધી પોલીસે ન તો તેની પૂછપરછ કરી છે કે ન તો તેની અટકાયત કરી છે. હીરાલાલે પણ જયરાજનું નામ લેવાનું ટાળ્યું છે. આથી એવું મનાય છે કે હુમલામાં સંડોવાયેલાઓનો વરઘોડો કાઢીને પડદા પાછળના મુખ્ય આરોપીને બચાવી લેવાશે. એ રીતે હીરાલાલ વધુ એક વાર કોળી સમુદાયના મસિહા તરીકે ઊભરી આવશે અને માયાભાઈ પરિવાર ક્લચમાં નહિ આવે એટલે આહિર સમાજ પણ રાજી રહેશે