
બહાદરપુરથી સંખેડા તરફ જતા વાહનચાલકો ઓરસંગ નદી પરના બ્રિજ પાસે ડાયવર્ઝન બોર્ડના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બહાદરપુર તરફ ડાયવર્ઝનનું બોર્ડ ન હોવાથી વાહનચાલકો ભૂલથી સીધા બ્રિજ પાસે પહોંચી જાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
છોટાઉદેપુર જીલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ, ઘણા મહિનાઓથી બહાદરપુર-સંખેડા ઓરસંગ બ્રિજ પર 10 ટનથી વધુ ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધને કારણે સંખેડા તાલુકાના નાગરિકોને આર્થિક નુકસાન અને વેપાર-ધંધામાં મંદીનો અનુભવ થઈ રહ્યો છે.
ખેડૂતોને ખાતર અને કપાસ વેચવા માટે અવરજવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સંખેડાના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા ગ્રામ પંચાયત અને લોકફાળાના સહયોગથી ઓરસંગ નદીમાંથી એક જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે.
જોકે, બહાદરપુરથી સંખેડા તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝનનું બોર્ડ હજુ સુધી મુકાયું નથી. આથી, વાહનચાલકો અજાણતામાં નદીના બ્રિજ પાસે પહોંચી જાય છે. ત્યાં હાજર હોમગાર્ડ દ્વારા તેમને નવા બનાવેલા ડાયવર્ઝન વિશે માહિતી અપાય છે, ત્યારબાદ તેઓ મહામહેનતે પાછા ફરીને જનતા ડાયવર્ઝન દ્વારા સંખેડા પહોંચે છે. વાહનચાલકોની માંગ છે કે બહાદરપુર તરફ ડાયવર્ઝન બોર્ડ તાત્કાલિક મુકવામાં આવે, જેથી તેમને પડતી અસુવિધા દૂર કરી શકાય.