અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિએ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ખાતે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે યોજી બેઠક

પહેલાંની પરિસ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે વિકાસનો બદલાવ આવ્યો છે.-સમિતિ અધ્યક્ષ અભેસિંહ તડવી.

ઝાલોદ તાલુકાના 65 ગામોને પાણી પુરવઠા યોજના હેઠળ ઘરે-ઘરે પાણી પહોંચતું કરવાનો મુખ્ય ઉદ્દેશ.

ગુજરાત વિધાનસભાની જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં મુંડા હેડા ખાતે પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમ્યાન તેઓએ દાહોદ જીલ્લાના પાણી પુરવઠા યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ સહિત સૌ સભ્યોએ પાણી પુરવઠા યોજના હેઠળ કાર્યરત હેડ વર્ક્સ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ભાટિયાએ અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા એ ઝાલોદ તાલુકાના 65 ગામોને સરળતાથી પાણી મળી રહે તે હેતુથી કરવામાં આવેલ આ પુરવઠા યોજનાના શીલાન્યાસથી લઈને આજદિન સુધી થયેલ સમગ્ર પ્રક્રિયાનો ચિતાર આપ્યો હતો.

આ બેઠક દરમ્યાન સમિતિના અધ્યક્ષ અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે, પહેલાંની પરિસ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે વિકાસનો બદલાવ આવ્યો છે. આદિવાસી પટ્ટીમાં ગણાતા આપણા દાહોદ જીલ્લામાં મોટેભાગે આદિવાસી પરિવારો રહે છે. અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિના અભ્યાસ ક્રમમાં દાહોદ જીલ્લાને પણ આવરી લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દાહોદ જીલ્લાના આદિવાસી લોકોને સરળતાથી ઘરે બેઠા પાણી ઉપલબ્ધ થઇ રહે એ હેતુસર સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ અન્વયે સમિતિએ આદિજાતી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા સહિતના આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અને મંજૂરી હેઠળની જૂથ યોજનાઓ વિશે માહિતી આપી સમીક્ષા કરી હતી. સમિતિએ આ દરમ્યાન ઉપસ્થિત સૌ ગ્રામજનોના પાણી સંબંધિત પ્રશ્ર્નો સાંભળીને તેમના પ્રશ્ર્નોનું ઝડપથી અને ટૂંક સમયમાં નિરાકરણ આવશે તેમ જણાવ્યું હતું. એ સાથે ઝાલોદ મુંડા હેડા પાણી પુરવઠા યોજના હેઠળના તમામ 65 ગામોને આવનાર સમયમાં પાણી પહોંચતું કરવામાં આવશે એમ કહ્યું હતું.

આ નિમિતે પાણી પુરવઠા વિભાગ દાહોદ ના અધિકારી/કર્મચારીઓ, ગ્રામજનો, ઝાલોદ તાલુકાના પાણી પુરવઠા યોજના હેઠળ આવતા ગામોના સરપંચઓ, આગેવાનો, જીલ્લા/તાલુકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.