દે. બારીયા નગરપાલિકામાં પુન: સત્તા મેળવવા ભાજપના ધમપછાડા

પ્રમુખપદુ છીનવાતા ધર્મેશ કલાલે છ અપક્ષ સભ્યોને સભ્ય પદેથી ગેર લાયક ઠરાવવા પેતરા રચ્યાં.

દેવગઢબારિયા પાલિકામાં ભાજપનો ભગવો પુન: ક્યારે લહેરાશે ?

દેવગઢબારિયા નગરપાલિકામાં સત્તાની સાઠમારીના ખેલમાં ભાજપના છ જેટલા બળવાખોર સભ્યોએ પ્રમુખ સામે કરેલા બળવામાં અપક્ષ સભ્યોને સાથ આપી બળતામાં ઘી હોમવાનું કામ કરતા, આવા સત્તાની સાઠમારીના ખેલમાં ભાજપ પરાસ્ત થતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો અને દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપનો ભગવો સમેટાયો હતો અને અપક્ષ સત્તારૂઢ થયા હતા અને સત્તાની આ સાઠ મારીના ખેલમાં રીંગ માસ્ટરની ભૂમિકા ભજવનારની આખરે દેવગઢબારિયા પાલિકામાં પ્રમુખ બનવાની આશા ફળી હતી અને પ્રમુખ પદ મળતા જ નગરના વિકાસના કામોને અગ્રીમતા આપ વાનું તેઓ ગાણું ગાઈ રહ્યા છે.

ત્યારે બીજી તરફ દેવગઢબારિયા નગરપાલિકામાંથી પ્રમુખ પદુ ગુમાવતા રઘવાયા બનેલા ધર્મેશ કલાલે પણ આવા ખેલના અઠંગ ખેલાડી હોય તેમ બારીયા નગરપાલિકામાં પુન: ભાજપની સત્તા લાવવા મરણિયા બની રાજકારણના સોગઠાં રમવા શરૂ કર્યા અને દેવગઢબારિયા પાલિકામાં ભાજપની સત્તા છીનવવામાં મહત્વનો ભાગ ભજવનારા અને રિંગ માસ્ટરના પ્યાદા બનેલા 6 જેટલા અપક્ષ સભ્યોને બે કરતાં વધુ બાળકો હોવાથી નગરપાલિકાના સભ્ય પદેથી ગેરલાયક ઠરાવી દૂર કરવા બાબતે વિકાસ કમિશનર ગાંધીનગર, જીલ્લા કલેકટર દાહોદ તથા નાયબ જીલ્લા કલેકટર દાહોદને લેખિતમાં જાણ કરી દેવગઢબારિયા નગરપાલિકામાં ફરીવાર સત્તા પલટાવવાના પેતરા માટે રાજકારણના શતરંજનો દાવ ખેલ્યો છે. જેમાં નિશાર મજીદ શુક્લાને ત્રણ સંતાન, અયુબ અબ્દુલા શુક્લાને પાંચ સંતાન, ઈકબાલ આદમ પટેલને પાંચ સંતાન, અયુબ ઈસુબ પટેલને ચાર સંતાન, મોહમ્મદ તસલીમ ઐયુબ પટેલને ત્રણ સંતાન અને ભીખા વાળાને ચાર સંતાન હોવાનું તેમજ તે સંતાનોના નામો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ઉપરોક્ત સભ્યોના બાળકોની જન્મ તારીખની ઘનિષ્ઠ તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. કારણ કે, આ સભ્યોના નામ અને અટક જેવા એક સમાન નામ ધરાવતા એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી તેનો દૂરૂપયોગ ઉપયોગ કરી તંત્રને ગેરમાર્ગે દોરે છે. જો કાયદામાં દર્શાવેલી તારીખ બાદ આ સભ્યોના બાળકોની કુલ સંખ્યા બે કરતાં વધી હોય તો તેઓને સભ્ય તરીકે ચાલુ રહેવા માટે ગેરલાયક ઠરાવી સભ્ય પદેથી દૂર કરવા અને ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ખોટી માહિતી રજૂ કરવા બદલ તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો ન્યાયિક હુકમ કરવાની માગણી કરી છે. ત્યારે આ લેખિત રજૂઆતને ધ્યાને લઈ જીલ્લા કલેકટરની સૂચના અનુસાર અધિક જીલ્લા ચૂંટણી અધિકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલે દેવગઢબારિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ મામલે જરૂરી તપાસ કરી સાધનિક પુરાવા સહ દરખાસ્ત કરવાની થતી હોય તો આપના સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સાથે સદરહુ દરખાસ્ત કમિશનર નગરપાલિકા ઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરને અત્રેની જાણ હેઠળ મોકલી આપવા જણાવ્યું છે. તપાસ બાદ જો આ છ સભ્યો બેથી વધુ બાળકો હોવાને કારણે ગેરલાયક ઠરે અને તેઓને સભ્ય પદેથી દૂર કરવામાં આવે તો દેવગઢ બારીયા નગરપાલિકામાં સત્તા પરિવર્તન ચોક્કસપણે થશે તેમ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. ત્યારે નગરની જનતાને સત્તાનું સુકાન કોણ સંભાળે તેનાથી કોઈ જ મતલબ નથી, જનતા ને તો માત્ર ને માત્ર પોતાના નગરના વિકાસથી જ મતલબ છે.તે સનાતન સત્ય અવારનવાર સત્તા પરિવર્તનના ખેલ ખેલનારાઓએ સમજી લેવાની તાતી જરૂર છે.