સંખેડાના કુબેરપુરામાં બ્રાન્ચ કેનાલ પરનો એપ્રોચ રોડ ઉંચા ઢાળને લઈ જોખમી

સંખેડા તાલુકાના કુબેરપુરા ગામે ભિલોડિયા બ્રાન્ચ કેનાલ પર રૂ. 16 લાખના ખર્ચે બની રહેલો સ્લેબડ્રેઇન ગ્રામજનો માટે સુવિધાને બદલે મુશ્કેલીરૂપ બનવાની ભીતિ ઊભી થઈ છે. ગામમાંથી બહાર જવાના મુખ્ય માર્ગ પર બનાવવામાં આવી રહેલા આ સ્લેબડ્રેઇનનું સ્લેબ નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે. પરંતુ તેના એપ્રોચની ડિઝાઇનને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, સ્લેબડ્રેઇનની બંને બાજુના ઢાળ ઘણાં ઊંચાં બનાવવામાં આવ્યા છે. જેના કારણે મોટરસાઇકલ, ટ્રેક્ટર અને કાર જેવા વાહનો લઈને પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

ખાસ કરીને કેનાલની બીજી બાજુ આવેલા મુખ્ય ડામર રસ્તા તરફનો એક ઢાળ સીધો રસ્તા પર ઉતરતો હોવાથી આશરે ૨૦થી ૨૫ ટકા જેટલો માર્ગ એપ્રોચમાં આવી જાય છે. આ રચનાના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડશે. અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેનાલ પર અન્ય સ્થળોએ બનાવવામાં આવેલા સ્લેબડ્રેઇન રસ્તાની સપાટી સાથે યોગ્ય સ્તરે જોડાયેલા છે. જેથી વાહન ચાલકોને સરળતા રહે છે. જ્યારે કુબેરપુરામાં ઊંચા ઢાળના કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વિકાસના કામ પાછળ લાખો ‚પિયાનો ખર્ચ કરવા છતાં લોકોને સુવિધા ન મળે તે ચિંતાનો વિષય છે. તેથી સ્લેબડ્રેઇનના એપ્રોચની ડિઝાઇન અને ઢાળમાં વહેલી તકે યોગ્ય સુધારો કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.