
ઉતરાયણને લઈ કોટ વિસ્તારના પોળો અને ધાબાઓ રંગબેરંગી સજાવટથી ઝળહળી ઉઠે છે.
અમદાવાદમાં ઉતરાયણનો પર્વ દર વર્ષે પરંપરા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ સમય સાથે ઉતરાયણ માત્ર પતંગ ઉડાડવાનો પર્વ રહ્યો નથી. હવે આ પર્વ સાથે જોડાઈ છે એક નવી ઓળખ “ટેરેસ ટુરિઝમ”. ખાસ કરીને અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારના ધાબાઓ ઉતરાયણ દરમિયાન ટુરિઝમનું મુખ્ય આકર્ષણ બન્યા છે.
ઉતરાયણને લઈ કોટ વિસ્તારના પોળો અને ધાબાઓ રંગબેરંગી સજાવટથી ઝળહળી ઉઠે છે. દેશ-વિદેશથી આવતા લોકો પરિવાર અને મિત્રમંડળી સાથે અહીં ધાબા ભાડે લઈ ઉતરાયણનો પરંપરાગત આનંદ માણી રહ્યા છે. આ વર્ષે પણ ધાબા ભાડે લેવાનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. ધાબા ભાડાંની વાત કરીએ તો આ વર્ષે પ્રતિ વ્યક્તિ દીઠ અંદાજે ૩૫૦૦ જેટલું ભાડું લેવામાં આવી રહ્યું છે, જ્યારે ચા-નાસ્તા, લંચ અને ડિનર સહિત તમામ સુવિધાઓ સાથેનું પેકેજ ૫૦૦૦ સુધી પહોંચી રહ્યું છે. કેટલાક ખાસ ધાબાઓ માટે તો લોકો ૫૦૦૦ થી લઈને ૧ લાખ સુધીનું ભાડું ચૂકવતા જોવા મળે છે.
સ્થાનિક અજય મોદી જણાવે છે કે, લગભગ ટેરેસ ટુરિઝમનો કોન્સેપ્ટ કુદરતી શક્તિને આધિન છે અને અચાનક અમે એ રીતે ઊભો કર્યો. અમે ઓબ્ઝર્વેશન કર્યું, અમારા ખાડિયામાં કોઈ ઝાડ-પાન નજીકમાં નથી, કોઈ ઊંચા મકાનો, ટાવર, મોબાઈલ એન્ટિના, રૂફટોપ સોલર નથી. એટલે અહીંનું આકાશ એકદમ ખુલ્લું છે. પતંગબાજી માટે જેટલું ખુલ્લુ આકાશ હોય એટલી વધારે મજા હોય. બીજું ખાડિયાના આ મકાનની બાજુમાં બીજા ૧૦ મકાને કનેક્ટેડ છે. એટલે જ્યારે ૧૦-૧૦ મકાનમાંથી પતંગો ચડે અને દરેક મકાન પર ૧૦-૧૫-૨૦ માણસો હોય ત્યારે ઉત્તરાયણના દિવસે અલગ જ માહોલ હોય છે.
તેઓ કહે છે, બહારના પોશ વિસ્તારમાંથી, કોર્પોરેટ ગ્રુપ અહીં આવે છે,એનઆરઆઇ આવે છે. બરોડા, સુરતથી. મારા ટેરેસ પર પંજાબથી એક કપલ ઉત્તરાયણને એન્જોય કરવા આવી રહ્યું છે. એટલે આ ટેરેસ ટુરિઝમનો જે કોન્સેપ્ટ છે એ આનંદની સાથે અહીંના સ્થાનિક લોકોને રોજગારીનો અવસર મળી રહે છે, કોઈ નાની નાસ્તાની દુકાન હોય તો સાંજ પડે ૨-૫ હજાર કમાઈ શકે, ઘરે રસોઈ બનાવતા બહેનોને પણ સપોર્ટ મળી શકે, જે સિનિયર સિટીઝન હોય જેમને લાઈટબિલ ભરવું મુશ્કેલ હોય તો એમનું ૬-૮ મહિનાનું લાઈટબિલ પણ આ ટેરેસ ટુરિઝનની આવકથી ભરી શકાય છે.
ખાસ વાત એ છે કે વિદેશી મહેમાનો અને ગુજરાત બહારથી આવેલા પ્રવાસીઓ કોટ વિસ્તારના ધાબાઓમાં વિશેષ રસ દાખવી રહ્યા છે. તેમને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાગત ભોજન ખૂબ આકર્ષે છે. ઉંધિયું, જલેબી, ચિક્કી જેવા પારંપરિક વ્યંજન વિદેશી મહેમાનોની ખાસ પસંદ બની રહ્યા છે. ધાબા ભાડે લેનારાઓને પતંગ, માંજો, ફિરકી, સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે પીવાનું શુદ્ધ પાણી, લાઇટિંગ અને ધાબાની સજાવટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉતરાયણ દરમિયાન પોળના મકાનોમાં આતશબાજી, તુક્કલ અને અન્ય પરંપરાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, જે ઉત્સવના માહોલને વધુ રંગીન બનાવે છે.
અન્ય મહિલા ચેતનાબેન સોની જણાવે છે, અમે બે વર્ષથી ઉત્તરાયણ પર ધાબું ભાડે આપીએ છીએ. માથા દીઠ ૨૦૦૦ લઈએ છીએ. અમારા ત્યાં એક ઉત્તરાયણની આગવી ઓળખ છે રાયપુર-ખાડિયાની. લોકોના દેશ-વિદેશમાંથી ફોન આવે છે અને અમે પણ એ લોકોની મહેમાનગતિ એટલી સરસ કરીએ છીએ કે એ લોકો જ આ વર્ષે રિપીટ થયા છે. એટલે અમારે બીજા કોઈને ધાબું આપવું પડ્યું નથી. એ લોકો સવારે આવે છે ત્યારે અમે ચા-નાસ્તો આપીએ છીએ, બપોરે પણ નાસ્તો આપીએ છીએ. બધુ ફુલ એન્જોય કરે છે, સ્પીકર મૂકીએ છીએ, ખુરશી મૂકીએ છીએ અને પાણીની પણ અમે સુવિધા આપીએ છીએ.
આ સમગ્ર પ્રયાસ પાછળનો મુખ્ય હેતુ કોમશયલાઈઝેશન નહીં પરંતુ સંસ્કૃતિનું જતન છે. ટેરેસ ટુરિઝમના માયમથી ખાડિયા અને રાયપુર જેવા વિસ્તારોમાં વસવાટ કરતા નાના અને મયમ વર્ગના લોકો, જેમના આજીવિકાના ોત સીમિત છે, તેઓ ઉત્સવના માહોલ સાથે આથક રીતે આત્મનિર્ભર બની શકે. આ વિચારધારા સાથે આ પહેલ આગળ વધી રહી છે. તો ધાબુ ભાડે આપનાર નૈનાબેન રાણા નામના મહિલા કહે છે, અમે ભાડું એક વ્યક્તિનું ૨૫૦૦ રૂપિયા લીધું છે, એમાં ૧૦થી ૧૫ લોકો ધાબે આવે છે. અમારી પરિસ્થિતિના હિસાબે થોડી આવક ઊભી થાય છે. અમે તેમને બેસવા માટે પલંગ, ખુરશી, પાણી. જમવા માટે ચક્કી, તલપાપડી અને જે એમને નાસ્તો કરવો હોય એની વ્યવસ્થા અમે કરી આપીએ છીએ.આ રીતે અમદાવાદમાં ઉતરાયણ હવે માત્ર એક પર્વ નહીં, પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક ટુરિઝમનું સુંદર સંયોજન બની ગયું છે, જે સ્થાનિક લોકોને રોજગાર આપે છે અને પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભવ કરાવે છે.