
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લ ૧.૬૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દર્શનભાઈ શાહ અનમોલ સર્કલ નજીક ગ્રેવિટી શોપિંગ મોલમાં “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવે છે. શોરૂમમાં કુલ ૧૯ કર્મચારીઓ કામ કરે છે.લગભગ ૧૧ મહિના પહેલા હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે નોકરીએ જોડાઈ હતી. ૧૧ મે ૨૦૨૬ના રોજ બપોરે શોરૂમના માલિક ઘરે જમવા ગયા હતા ત્યારે આ ચોરીની ઘટના બની હતી.
સાંજે એક ગ્રાહક ખરીદી માટે આવ્યો ત્યારે સ્ટાફને ટ્રેમાં રાખેલી સોનાની લકી ઓછી જણાઈ હતી. ત્યારબાદ તપાસ કરતા હર્ષિદા શેટ્ટી શોરૂમમાં હાજર નહોતી.શોરૂમના cctv તપાસતા હર્ષિદા શેટ્ટી બેઠક પાછળના કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાં અને બેગમાં મૂકતી જાવા મળી હતી. ત્યારબાદ તે સ્ટોરરૂમમાંથી પોતાની બેગ લઈને શોરૂમમાંથી નીકળી ગઈ હતી.
તપાસ દરમિયાન સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ ૧.૬૬ કરોડ રૂપિયાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.આરોપી યુવતીનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ અને cctv ફૂટેજના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.
નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.