અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલો વધુ એક બ્રિજ બન્યો ’જોખમી’, ઇક્ધમટેક્સ બ્રિજ જોઈન્ટ્સ તૂટતા વાહનચાલકોમાં ફફડાટ

સ્માર્ટ સિટી અમદાવાદમાં સુભાષ બ્રિજનું પત્યું નથી ત્યાં ફરી એક બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા આશ્રમ રોડ પર આવેલો ઇક્ધમટેક્સ લાયઓવર હવે વાહનચાલકો માટે મોતનો ફાંદ બની શકે તેવી સ્થિતિમાં છે. માત્ર પાંચ વર્ષ પહેલાં બનેલા આ બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી જતાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

આશ્રમ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા ઇક્ધમટેક્સ બ્રિજ પર ઠેર-ઠેર ભયજનક તિરાડો અને નુક્સાન જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાટા સર્કલથી ઉસ્માનપુરા તરફ જતાં કાલુપુર બેંક પાસે બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી ગયા છે. અહીં સ્થિતિ એટલી ગંભીર છે કે તૂટેલા ભાગમાંથી બ્રિજની નીચેની અવરજવર સ્પષ્ટ જોઈ શકાય તેવી મોટી ગેપ પડી ગઈ છે. બીજી તરફ, ઉસ્માનપુરાથી બાટા સર્કલ તરફ જતાં આયકર ભવન પાસે બ્રિજ પરના લોખંડના બોલ્ટ બહાર આવી ગયા છે. આ ઉઘાડા બોલ્ટ ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.

આ બ્રિજ પરથી દિવસ-રાત હજારો વાહનો પસાર થાય છે. જોઈન્ટ એક્સપાન્શન તૂટવાને કારણે ટુ-વ્હીલરના ટાયર ફસાઈ જવાથી વાહન ચાલક ફંગોળાઈ શકે છે. ચાલુ વાહને બોલ્ટ સાથે ટાયર અથડાવાથી વાહન સ્લિપ થવાનો ભય રહે છે. ચોમાસા કે રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોય ત્યારે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે માત્ર ૫ વર્ષમાં બ્રિજની આવી હાલત કેમ? આ સવાલ અત્યારે દરેક અમદાવાદીના મનમાં છે. કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી બનેલા પ્રોજેક્ટ્સમાં આટલી જલ્દી ક્ષતિઓ દેખાવી તે ભ્રષ્ટાચાર કે નબળા સુપરવિઝન તરફ આંગળી ચીંધે છે.

સ્થાનિકો અને નિયમિત અવરજવર કરતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વગર ત્વરિત સમારકામ શરૂ કરે. જો વહેલી તકે આ જોઈન્ટ્સ રિપેર કરવામાં નહીં આવે, તો આ બ્રિજ હાટકેશ્ર્વર બ્રિજ જેવો વિવાદ પણ સર્જી શકે છે.