
અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.અમરાઈવાડી વિસ્તારમાં ડિલિવરી થવાની હતી તેવી બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં ફોર્ચ્યુનર કારમાંથી બે કરોડ રૂપિયાની હાઈ ક્વોલિટીની ૫૦૦ રૂપિયાના દરની નકલી નોટો સાથે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં એક મહિલા પણ સામેલ છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ નકલી નોટોનો મુખ્ય કારોબાર સુરતના વરાછા વિસ્તારમાં ચાલી રહ્યો હતો. વરાછામાં એક ગુપ્ત સ્થળ પર હાઈ ક્વોલિટીની નકલી ૫૦૦ રૂપિયાની નોટો છાપવાનું કામ ચાલતું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે વરાછા વિસ્તારમાં પણ દરોડો પાડ્યો હતો, જ્યાંથી નકલી નોટો બનાવવાના અત્યાધુનિક પ્રિન્ટર મશીનો, કાગળ, શાહી અને અન્ય તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે વધુ નકલી નોટોનો જથ્થો પણ મળી આવ્યો છે.