આગામી સપ્તાહે મહાનગરોને નવા મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મળે તેવી શક્યતા

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને નવ નવા અને છ જૂના મળીને પંદર મહાનગરોને નવા મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેટર, પક્ષના નેતા મળી જાય તેવી શક્યતા છે. આની સાથે નગરપાલિકાઓમાં પ્રમુખ અને કારોબારી ચેરમેનના હોદ્દેદારો જાહેર થઇ જશે. ૩૪ જિલ્લા, ૨૬૦ તાલુકા, ૮૪ નગરપાલિકા અને પંદર મહાનગરોની ચૂંટણીના પરિણામો ૨૯ એપ્રિલના રોજ જાહેર થયા હતા. આ પરિણામોમાં ભાજપ પંદર મહાનગરો, ૭૬ પાલિકા, ૨૨૯ તાલુકા અને ૩૩ જિલ્લા પંચાયતોમાં વિજય થયો છે.

સામાન્ય રીતે મહાનગરો અને નગરપાલિકામાં ચૂંટણી પરિણામો પછી પંદર દિવસમાં નવું બોર્ડ અસ્તીત્વમાં આવી જાય તેવો નિયમ છે. જ્યારે પંચાયતોમાં ચાર સપ્તાહનો સમય હોય છે. આ સંજાગોમાં ૨૯ એપ્રિલના રોજ પરિણામો જાહેર થયા બાદ હવે પંદર દિવસની અવધિ પૂરી થવા આવી રહી છે ત્યારે એક બે દિવસમાં શહેરી વિકાસ વિભાગ તેના તાબા હેઠળની સ્થાનિક સંસ્થાઓમાં નવા બોર્ડ ની રચના અંગેનું જાહેરનામુ બહાર પાડી શકે છે. ૧૯ મેના રોજ મેયરો બની શકે તેવી સંભવના છે.

સ્થાનિક ચૂંટણીઓમાં ૯૦ ટકા સ્ટ્રાઇક રેટ સાથે ભાજપે બહુમતી મેળવી છે ત્યારે તેના શાસન કર્તાઓના નામો પસંદ કરવા વિતેલા સપ્તાહમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં આવતા તમામ જિલ્લાઓ હેઠળ આવરી સંસ્થાઓ, મહાનગરોની સુનાવણી પૂરી થઇ છે. ભાજપે પરિણામો બાદ ત્રણ દિવસ માટે નિરીક્ષકો મોકલીને ચૂંટાયેલા નવા જનપ્રતિનિધિઓ, વર્તમાન સંગઠન અને ધારાસભ્યો, સાંસદોના અભિપ્રાય મેળવ્યા હતા. જોકે, ૧૦ અને ૧૧ મે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કારણે ભાજપનું પ્રદેશ નેતૃત્વ અને સૌરાષ્ટ્રભરના આગેવાનો તૈયારીઓમાં રોકાયેલા હોવાથી સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની સુનાવણી બાકી રાખવામાં આવી હતી. આ માટે  ૧૩ અને ૧૪ મે દરમિયાન મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મળનારી બેઠકમાં સૌરાષ્ટ્રના જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાનગરોની સુનાવણી થશે.

ભાજપ માટે કેટલીક તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ટાઇનો સામનો કરવો પડે એમ છે. હાલ આ સંસ્થાઓમાં તડજાડની રાજનીતિ ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, જિલ્લા સંગઠન પર સમગ્ર મામલો છોડવામાં આવ્યો છે.