
અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે આવેલા આરબીએલ બેંકના એટીએમ સેન્ટરમાં તોડફોડની ઘટના સામે આવી છે. માનસિક રીતે અસ્વસ્થ જણાતા એક યુવકે પથ્થરમારો કરીને એટીએમ મશીનની ડિસ્પ્લે અને બહારની કાચની કેબિનને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોએ યુવકને ઝડપી પાડીને નિકોલ પોલીસને સોંપ્યો હતો.
મળતી માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં શ્રીધર ફ્લોરાની બાજુમાં અમર જવાન સર્કલ પાસે આરબીએલ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. આજે ગુરુવારે સવારે બેંકના સર્વેલન્સ વિભાગ દ્વારા બ્રાંચ ઓપરેશન મેનેજર કપિલભાઈ દાનાભાઈ ચાવડાને ફોન કરીને છ્સ્ સેન્ટરમાં તોડફોડ થયાની જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ બેંક મેનેજર તાત્કાલિક એટીએમ સેન્ટર પર પહોંચ્યા હતા.
તપાસ દરમિયાન એટીએમ મશીનની ડિસ્પ્લે તેમજ બહાર લગાવવામાં આવેલી કાચની કેબિન તૂટેલી હાલતમાં જાવા મળી હતી. દરમિયાન સ્થાનિક લોકોએ તોડફોડ કરનાર યુવકને પકડી પાડ્યો હતો અને નિકોલ પોલીસને જાણ કરી તેને પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસે પૂછપરછમાં એટીએમમાં તોડફોડ કરનાર ૨૧ વર્ષિય આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાનું અને હાલ નિકોલ વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું વર્તન કરતો હોવાનું જણાયું હતું. હાલ આ સમગ્ર મામલે આરબીએલ બેંકના બ્રાંચ ઓપરેશન મેનેજર કપિલભાઈ ચાવડાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે અરજીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.