દિયર ભાભીના સંબંધને લજવતો કિસ્સો, એક તરફી પ્રેમમાં ન કરવાનું કરી નાખ્યું, પોલીસે ધરપકડ કરી

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એક્તરફી લગાવના કારણે એક મહિલાને લાંબા સમયથી હેરાનગતિ સહન કરવી પડી રહી હતી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી ૪૬ વર્ષીય મહિલા ઘરકામ કરીને જીવન નિર્વાહ કરે છે. મહિલાના સાસુના ભાઈનો દીકરો અહેરાજ હુસેન ઉત્તરપ્રદેશથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદ આવ્યો હતો. સંબંધનો લાભ લઈ અહેરાજ વારંવાર મહિલાના ઘરે આવતો હતો. ધીમે-ધીમે આરોપી મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું અને એક્તરફી પ્રેમનો દાવો કરીને હેરાન કરવા લાગ્યો હતો.

વર્ષ ૨૦૨૪માં આરોપીએ મહિલાનો પીછો કરતાં પતિએ વિરોધ કર્યો ત્યારે તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, હું તારી પત્નીને પ્રેમ કરું છું, તેનો પીછો કરતો રહીશ અને વચ્ચે આવ્યો તો તને પતાવી દઈશ. આ ધમકી બાદ મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી જામીન પર બહાર આવ્યો હોવા છતાં તેણે મહિલાનો પીછો ચાલુ રાખ્યો હતો.

મહિલાએ સ્પષ્ટ ઇનકાર કર્યા બાદ પણ આરોપીએ વર્તન બંધ ન કરતાં, તેણે ઓફિસ જતા-આવતા રસ્તામાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. ૨૧ ડિસેમ્બરના રોજ સાંજે મહિલા કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ રસ્તામાં તેને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી હતી. જાહેર સ્થળે જ હાથ પકડીને સાથે ચાલવા માટે દબાણ કર્યું હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. આજુબાજુના લોકો ભેગા થતાં આરોપી ભાગી ગયો હતો, પરંતુ જતા જતા તેણે મહિલાને બદનામ કરવાની અને પરિવારને નુક્સાન પહોંચાડવાની ધમકી આપી હતી.

૨૩ ડિસેમ્બરના રોજ મહિલા અને તેના સાસુ ઘરે હતા, ત્યારે આરોપી અહેરાજ ત્યાં પહોંચ્યો હતો. સાસુએ તેને જતા રહેવાનું કહેતા આરોપીએ બુમાબુમ કરીને મહિલાનો હાથ પકડીને ’તું મારી સાથે ચાલ, તું મારી સામે ખોટી ફરિયાદ કરી છે, હું તને પ્રેમ કરું છું અને તને રાખીશ’ તેમ કહીને જબરદસ્તી હાથ ખેંચવા લાગ્યો હતો. આ દરમિયાન સાસુ-સસરાએ વચ્ચે પડીને મહિલાનો હાથ છોડાવ્યો હતો. જતાં-જતાં આરોપીએ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઘટનાથી ગભરાયેલી મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરી અને આરોપીની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અગાઉ પણ અન્ય યુવતીઓ સાથે આવી જ રીતે અયોગ્ય વર્તન કરી ચૂક્યો છે.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે છેડતી, ધમકી અને પીછો કરવા સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી માનસિક દબાણ હેઠળ હોવાનું જણાય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ આવા વર્તનને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે, આવા કોઈ પણ બનાવમાં ડર્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો.