બોડેલી APMC દ્વારા સહકારીતા સ્નેહમિલન સંપન્ન : આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સ્વદેશીનો સંકલ્પ લેવાયો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત એક સહકારીતા સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમ છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો.

આ સ્નેહમિલનમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, ધારાસભ્ય રાજેશ રાજેન્દ્રસિંહ રાઠવા, બોડેલી એ.પી.એમ.સી. ના ચેરમેન, અને એપીએમસીના વાઇસ ચેરમેન યશપાલ ભાઈ ઠાકોર સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તાલુકા અને જીલ્લાના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો અને બોડેલી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રી તથા સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના મંત્રને નવા વર્ષમાં સાકાર કરવા માટે ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી.