ઓનલાઇન ઓર્ડરમાં ગ્રાહકો સાથે છેતરપિંડી, એમેઝોન પાર્સલ કૌભાંડમાં ૩ની ધરપકડ

સુરતમાં ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોનનાં પાર્સલમાંથી અસલ માલ કાઢીને તેની જગ્યાએ વેસ્ટેજ અને નકામાં કપડાં ભરી ગ્રાહકોને મોકલવાના કથિત કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ પીક-અપનું કામ કરતો એક કર્મચારી અસલ કપડાં કાઢી લેતો હતો અને તે સામાન પોતાના મિત્રને વેચી દેતો હતો. ત્યાર બાદ મિત્ર અને તેની પત્ની આ માલનું વેચાણ કરતા હોવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ રૂ.૪.૯૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ તપાસ મુજબ, આ કથિત કૌભાંડમાં નરેશ વિજયભાઈ બાવિષ્કર નામનો શખ્સ સામેલ હતો, જે એમેઝોન કંપનીનાં પાર્સલ પીક-અપનું કામ કરતો હતો. આરોપ છે કે તે પાર્સલમાંથી અસલ અને કિંમતી કપડાં કાઢી લેતો હતો અને તેની જગ્યાએ વેસ્ટેજ તથા નકામાં કપડાં ભરી દેતો હતો. ત્યાર બાદ આ પાર્સલ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાંથી કાઢેલો અસલ માલ નરેશ પોતાના મિત્ર રવિ સંતોષ જૈસ્વાલને વેચી દેતો હતો. રવિ પણ એમેઝોન કંપનીમાં ટેમ્પો ચલાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસમાં રવિ અને તેની પત્ની કાવ્યાની પણ સંડોવણી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને કથિત રીતે ચોરીનો માલ સુરતના વેસુ વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે ભરાતી બુધવારી બજારમાં વેચતાં હતાં. આ માલના વેચાણ માટે જરૂરી આધાર-પુરાવા ન હોવાનો પણ આરોપ છે.પોલીસને આ મામલે બાતમી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પાર્સલમાંથી અસલ સામાન કાઢવાની અને તેને અન્ય જગ્યાએ વેચવાની કથિત મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે આ કેસમાં નરેશ બાવિષ્કર (ઉંમર ૩૭ વર્ષ), રવિ સંતોષ જૈસ્વાલ (ઉંમર ૨૧ વર્ષ) અને તેની પત્ની કાવ્યા (ઉંમર ૧૯ વર્ષ)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ સુરતના ભેસ્તાન વિસ્તારના રહેવાસી હોવાનું જણાવાયું છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂ.૪,૯૩,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં વિવિધ કંપનીઓની લેડીઝ કુર્તીઓ, દુપટ્ટા, પેન્ટ, સાડીઓ, લેગિંગ્સ સહિતનાં કપડાંનો સમાવેશ થાય છે.આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને પાર્સલમાંથી કેટલા સમયથી આ રીતે માલ કાઢવામાં આવતો હતો તે સહિતનાં પાસાંઓ પર વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામેના આક્ષેપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.