
ધ્રાંગધ્રામાં પોલીસે એક ઈનોવા ગાડીમાંથી રૂ. ૨.૭૬ લાખનો વિદેશી દારૂ અને ગાડી મળીને કુલ રૂ. ૧૨.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
ધ્રાંગધ્રાના વસાડવા ચોકડી ખાતે આવેલા ત્રણ રસ્તા સામેના રોડ પરથી એક શંકાસ્પદ ઈનોવા ગાડી પસાર થઈ રહી હતી. પોલીસે તેને આંતરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અગાઉથી જ વોચ ગોઠવાઈ હતી. આ કામગીરી તે મુજબ કરવામાં આવી હતી.પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી મોટી માત્રામાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. અલગ અલગ બ્રાન્ડના પ્લાઝા ચપલા નંગ ૧૭૨૮ અને બિયર ટીન નંગ ૨૧૬ જપ્ત કરાયા છે. પોલીસના અંદાજ મુજબ આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. ૨,૭૬,૪૦૮ છે.દારૂની હેરાફેરી માટે વપરાયેલી સફેદ રંગની ઈનોવા ક્રિસ્ટા ગાડી પણ પોલીસે ઘટનાસ્થળેથી કબજે કરી છે.
ગાડીની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ થાય છે. દારૂ અને ગાડી મળીને પોલીસે કુલ રૂ. ૧૨,૭૬,૪૦૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ઈનોવા ગાડીના ચાલક, માલિક અને આ રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. દારૂનો જથ્થો ક્્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.