
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી-ડભોઇ રોડ સતત વાહન વ્યવહારથી સતત અવર-જવર વચ્ચે હાઇવે પર પર મુખ્ય નહેર બ્રિજ પાસે બુધવારે સવારે રેતી ભરેલું ડમ્પર રસ્તાની વચ્ચોવચ્ચ ખોટકાતાં પીક અવર્સમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ઓફિસ અને શાળાના સમય દરમિયાન વાહનોની ભારે અવરજવર વચ્ચે ભારે વાહન રસ્તા પર જ અટવાઈ જતાં બોડેલી તથા ડભોઇ બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. ડમ્પર રસ્તાની વચ્ચે ખોટકાતાં થોડા જ સમયમાં વાહનોની સંખ્યા વધવા લાગી અને બ્રિજ તરફ આવન-જાવન કરતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.
મુખ્ય માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિને પગલે ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વાહનોને એક તરફથી પસાર કરાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શ કરી હતી.
ટ્રાફિક જામની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને બોડેલી મામલતદાર પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને જાતે માર્ગ પર ઉતરી ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી સંભાળી હતી. પોલીસ અને તંત્ર દ્વારા વાહનવ્યવહારને વ્યવસ્થિત રીતે ચાલુ કરાવવા પ્રયાસો હાથ ધરાયા હતા.
મુખ્ય નહેર બ્રિજ બોડેલી-ડભોઇ રોડનો મહત્વનો માર્ગ હોવાથી અહીં દિવસભર ભારે વાહનોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં રસ્તાની વચ્ચે ડમ્પર કે અન્ય ભારે વાહન ખોટકાય તો પીક અવર્સમાં તેની સીધી અસર સમગ્ર વાહનવ્યવહાર પર પડે છે.
વાહનચાલકોએ આવા બનાવોમાં ખોટકાયેલા ભારે વાહનને તાત્કાલિક રસ્તા પરથી હટાવવાની સાથે ટ્રાફિક નિયંત્રણ માટે વધુ અસરકારક વ્યવસ્થા કરવા માંગ કરી હતી.