મહીસાગરના ફાચર ગામે વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને સમૃદ્ધિની નવી રાહ બતાવતો આત્મા પ્રોજેક્ટનો વિશેષ કાર્યક્રમ

ઓછા વરસાદમાં કઠોળ, તેલીબિયાં અને પ્રાકૃતિક ખેતી દ્વારા આવક જાળવી રાખવા ખેડૂતોને અપાયું સઘન માર્ગદર્શન.

મહીસાગર જિલ્લાના નવનિર્મિત ગોધર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફાચર ગામે હાલમાં પ્રવર્તી રહેલા ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘આત્મા’ પ્રોજેક્ટ મહીસાગર અંતર્ગત એક વિશેષ ખેડૂત ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિકૂળ હવામાન અને અનિયમિત વરસાદ વચ્ચે પણ ખેડૂતો પોતાની ખેતી અને આર્થિક આવક કેવી રીતે જાળવી શકે તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ ગોષ્ઠીમાં ફાચર ગામના મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કૃષિ નિષ્ણાતો પાસેથી ખેતીલક્ષી ઉપયોગી માહિતી મેળવી હતી.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા જીલ્લા મદદનીશ ખેતી નિયામકે ખેડૂતોને વર્તમાન પરિસ્થિતિમાં અનુકૂળ એવા કઠોળ અને તેલીબિયાં પાકોની આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમણે ખેડૂતોને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સહાયકારી યોજનાઓ અને તેનો લાભ લેવાની પ્રક્રિયાથી અવગત કર્યા હતા. આ ઉપરાંત, સારથી સંસ્થાના અધિકારીએ ખેડૂતોને ખેતરના શેઢા-પાળા તેમજ પડતર જમીનનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે ઓછા પાણીમાં ઉછરી શકે તેવા ફળાવ વૃક્ષો વાવીને ખેતીની સાથે પૂરક આવક કેવી રીતે ઊભી કરી શકાય તે અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

આ આયોજનમાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક ખેતી બોર્ડના અધિકારીઓએ પણ પ્રતિકૂળ સંજોગોમાં ખેતીના આયોજન અંગે વિશેષ ભાર મૂક્યો હતો. ખાસ કરીને વરસાદની ખેંચ વચ્ચે હલકા ધાન્ય પાકો (મિલેટ્સ) કેવી રીતે ખેડૂતો માટે આશીર્વાદ‚પ સાબિત થઈ શકે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ ખેડૂતોને વર્તમાન સિઝનની મુશ્કેલીઓ સામે લડવા અને ભવિષ્યમાં ખેતીને ટકાઉ બનાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા સલાહ આપી હતી.

કાર્યક્રમના અંતિમ ચરણમાં તાલુકા સંયોજક દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને તેનાથી જમીન તેમજ મનુષ્યના સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ પ્રત્યક્ષ રીતે સમજાય તે હેતુથી લાઈવ ડેમોસ્ટ્રેશનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રાયોગિક નિદર્શન ખેડૂતો માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયું હતું, જેનાથી તેઓ પરંપરાગત ખેતીની સાથે નવીન પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત થયા હતા.