
ભારત અને જાપાન વચ્ચે ક્રિકેટ સંબંધ એક નવા સ્તરે આગળ વધી રહ્યો છે. બંને દેશોની પુરુષ ક્રિકેટ ટીમો પ્રથમ વખત ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે, અને આ ઐતિહાસિક મેચ પહેલા, ટીમ ઇન્ડિયાએ જાપાની રાજદૂત સાથે ખાસ મુલાકાત કરી. ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ટીમના સભ્યો ભારતમાં જાપાનના રાજદૂત ઓનો કેઇચીને મળ્યા હતા. નવી દિલ્હીમાં થયેલી મુલાકાત દરમિયાન, જાપાનના રાજદૂતે બીસીસીઆઈ પ્રમુખ મિથુન મનહાસ અને ભારતીય ટીમને દારુમા ભેટ આપી, જે શુભકામનાનું પરંપરાગત જાપાની પ્રતીક છે.
બંને દેશો વચ્ચે વધતા રમતગમત સંબંધોને ધ્યાનમાં રાખીને આ મુલાકાત ખાસ માનવામાં આવે છે.આ મુલાકાત ઐતિહાસિક મેચના થોડા દિવસો પહેલા થઈ છે જેમાં ભારત અને જાપાન પુરુષોની ટી૨૦ આંતરરાષ્ટÙીય મેચમાં પ્રથમ વખત એકબીજાનો સામનો કરશે. બંને ટીમો ૨૨ સપ્ટેમ્બરના રોજ તોચીગી પ્રીફેક્ચરના સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુઝુકી કપ મેચમાં આમને-સામને થશે.બીસીસીઆઈ પ્રમુખ મિથુન મનહાસે સોશિયલ મીડિયા પર બેઠકના ફોટા શેર કરીને તેને ક્રિકેટ માટે ખાસ પ્રસંગ ગણાવ્યો. તેમણે કહ્યું કે જાપાનમાં ક્રિકેટ નવા પ્રેક્ષકો સુધી પહોંચી રહ્યું છે અને આ રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મનહાસે ભારત અને જાપાન વચ્ચે રમતગમત સંબંધોને વધુ મજબૂત બનાવવા વિશે વાત કરી. તેમણે એ પણ નોંધ્યું કે ઐતિહાસિક મેચ અને આગામી એશિયન ગેમ્સને લઈને ઉત્સાહ વધી રહ્યો છે.
જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ પણ મીટિંગના ફોટા શેર કર્યા. તેમણે ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર અને બીસીસીઆઇ પ્રમુખ મિથુન મનહાસને મળવાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે ભારત અને જાપાન વચ્ચેની આ ખાસ મેચને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ સાથે જાડી અને ટીમ ઈન્ડિયાને આગામી એશિયન ગેમ્સ માટે શુભકામનાઓ પાઠવી.
તેમણે એકસ પર લખ્યું, “મિત્રતાની એક નવી ઇનિંગ. બીસીસીઆઇ પ્રમુખ મિથુન મનહાસ અને કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને મળીને આનંદ થયો. ૨૨ સપ્ટેમ્બરે જાપાનના તોચીગીના સાનોમાં યોજાનારી સુઝુકી કપ ભારત-જાપાન ૭૫મી વર્ષગાંઠ ક્રિકેટ મેચની આતુરતાથી રાહ જાઈ રહ્યા છીએ! ૨૦મી એશિયન ગેમ્સ માટે શુભકામનાઓ.”ભારત અને જાપાન વચ્ચેની આ મેચ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીનો એક ભાગ છે. સ્પોર્ટ ૭૫ પહેલ હેઠળ સુઝુકી કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે રમતગમતના આદાનપ્રદાન અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ મેચની ખાસ વાત ફક્ત બંને ટીમો વચ્ચેની પહેલી મુલાકાત જ નથી. તે જાપાનની ધરતી પર ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ હશે. તે ભારત અને જાપાનની પુરુષ ક્રિકેટ ટીમો વચ્ચેની પહેલી સત્તાવાર આંતરરાષ્ટ્રીય મેચ પણ હશે.