બોડેલીમાં દોડ ૨.૦ થીમ પર ગણેશજીની સ્થાપના : કલેક્ટર ગાર્ગી જૈને આરતી કરી, ડિસેમ્બરમાં યોજાનારી મેરેથોનમાં જોડાવા અપીલ

બોડેલીમાં ગણેશોત્સવની અનોખી ઉજવણી જોવા મળી રહી છે. શિવ શક્તિ સોસાયટીમાં શિવ શક્તિ યુવક મંડળ દ્વારા આ વર્ષે દોડ ૨.૦ની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સ્વસ્થ જીવન માટે દોડના સંદેશ સાથે તૈયાર કરાયેલી આ થીમ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નગરની શિવ શક્તિ સોસાયટીમાં આ અનોખી થીમ સાથે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. યુવક મંડળ દ્વારા લોકોને સ્વસ્થ જીવન માટે દોડનું મહત્વ સમજાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસેમ્બર મહિનામાં દોડ ૨.૦ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલી મેરેથોનને સારો પ્રતિસાદ મળ્યા બાદ ફરીથી આ મેરેથોન યોજાઈ રહી છે. મેરેથોનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જાગૃતિના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે.

દોડ ૨.૦ની થીમ પર ગણેશજીની સ્થાપના કરાયેલી શિવ શક્તિ સોસાયટીની જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લીધી હતી. તેમણે ગણપતિ બાપાના દર્શન કરી પૂજા-અર્ચના કરી. કલેક્ટરે લોકોને ડિસેમ્બરમાં યોજાનારી મેરેથોનમાં જોડાવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સાથે પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, બોડેલી મામલતદાર અંજનાબેન, બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર રવિ પઢીયાર સહિત નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.