
પંચમહાલના હાલોલ-વડોદરા રોડ પર એક ચાલુ ટ્રકના કેબિનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટ્રકનું કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક હાલોલ-વડોદરા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના કેબિનમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. આગ લાગતા જ ટ્રક ચાલક સતર્ક બની તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે ટ્રક રોડ પર ભડભડ સળગી રહી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનાને પગલે હાલોલ-વડોદરા રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહારને નિયમિત કરવાની કામગીરી હાથ ધરી હતી. અટવાયેલા વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાતા વાહન વ્યવહાર પુન: શરૂ થયો હતો.

આ ઘટનામાં ટ્રકનું કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ, ટ્રકના કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.