
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે ઘોઘંબા તાલુકાના દામાવાવ અપહરણ અને પોક્સો ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી કમલેશ ઉર્ફે કમો પર્વતભાઈ પટેલને સેવાલિયા ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યો હતો.
આરોપી કમલેશ પટેલ દામાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં નાસતો ફરતો હતો. આ ઉપરાંત, તે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પણ ફરાર હતો.

બાતમી મુજબ, આરોપી કમલેશ ભોગ બનનારને વિરમગામ ખાતે મૂકી આવ્યો હતો. તેણે પોતાની બહેન મીનાબેનના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભોગ બનનારને સાણંદ ટાટા નેનો પ્લાન્ટ સ્થિત ભવાની કંપનીમાં નોકરી અપાવી હતી. આરોપી અવારનવાર તેને મળવા વિરમગામ જતો હતો.
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈ ચંદ્રસિંહને હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી ભોગ બનનારને મળવા જઈ રહ્યો છે. આ માહિતીના આધારે, સ્કવોર્ડે સેવાલિયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ગોધરા તરફથી આવતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ, સાણંદ ટાટા નેનો પ્લાન્ટમાંથી ભોગ બનનાર બહેન પણ મળી આવી હતી. કાયદેસરની વધુ કાર્યવાહી માટે આરોપી અને ભોગ બનનારને દામાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.