
ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા દ્વારા બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલ, ગોધરાના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાશ્રી સલીમ શેખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ધોરણ મુજબ ત્રણ અલગ-અલગ વિષયો રાખવામાં આવ્યા હતા. ધોરણ ૪ અને ૫ માટે “Monsoon Magic”, ધોરણ ૬ અને ૭ માટે “World Without Pollution” તથા ધોરણ ૮ અને ૯ માટે “Unity in My Imagination” વિષય રાખવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાના માધ્યમથી પર્યાવરણ જાગૃતિ, રાષ્ટ્રીય એકતા તથા સામાજિક જવાબદારી જેવા વિષયોને સુંદર રીતે ચિત્રોમાં રજૂ કર્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રમાણપત્રો તથા ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો.
આ પ્રસંગે સંસ્થા સચિવશ્રી સલીમ શેખે વિજેતા તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાની સાથે તેમને દેશ, સમાજ અને પર્યાવરણ પ્રત્યે વિચારશીલ બનાવે છે. ચિત્ર સ્પર્ધાના વિષયો વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુંદર અને એકતાભર્યા ભારતની કલ્પના કરવા માટે પ્રેરણા આપે છે.
કાર્યક્રમના સફળ આયોજન બદલ એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.