સેવન્થ ડે હાઈસ્કૂલ સરકાર હસ્તક લેવાના નિર્ણય સામે સંચાલકો હાઈકોર્ટમાં ગયા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલને સરકાર દ્વારા હસ્તક લેવામાં આવતા મામલે હવે કાનૂની વળાંક આવ્યો છે. શાળા સંચાલકોએ સરકારના આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.

હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં શાળા સંચાલકોનું કહેવું છે કે ડીઈઓ (જિલ્લા શિક્ષણ અધિકારી) દ્વારા શાળાની રજૂઆત સાંભળ્યા વિના એક્તરફી નિર્ણય લેવામાં આવ્યો છે. સંચાલકોનો આક્ષેપ છે કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નથી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

શાળા સંચાલકોના જણાવ્યા મુજબ સરકારની આ કાર્યવાહી ગેરકાયદેસર છે અને તેના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી શકે છે. હાલ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં આ અંગે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.