
પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનલ મેસીના તાજેતરના ભારત પ્રવાસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. આ મુદ્દે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કડી ખાતે યોજાયેલી ઓમકાર મિશનની એક સભામાં બોલતાં નીતિન પટેલે નવી પેઢીમાં વધતી જઈ રહેલી દેશના ઇતિહાસ અને વારસા પ્રત્યેની અજ્ઞાનતા પર કડક પ્રહાર કર્યા હતા.
સભામાં પોતાના ભાષણ દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે, આજની નવી પેઢીને દેશની આઝાદીમાં કોણે શું યોગદાન આપ્યું તેની પૂરતી જાણકારી નથી. તેમણે જણાવ્યું કે, “આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન નેતાઓ અને બલિદાનો વિશે યુવાનો અજાણ છે. જ્યારે બહારના દેશના ખેલાડીઓ અને સેલિબ્રિટીઝને આપણે અતિશય મહત્ત્વ આપીએ છીએ.”
લિયોનલ મેસીના ભારત પ્રવાસનું ઉદાહરણ આપતાં નીતિન પટેલે કહ્યું કે, “વિશ્ર્વવિખ્યાત ફૂટબોલર લિયોનલ મેસી ભારત આવ્યો અને ૫૦ કરોડ રૂપિયા લઈને ગયો. અહીં આપણા પોતાના લોકો ૫ લાખ રૂપિયા માટે પણ ફાંફા મારે છે.” તેમણે આ વાત દ્વારા સમાજમાં વધતી આથક અસમાનતા અને પ્રાથમિક્તાઓ પર સવાલ ઉઠાવ્યો હતો.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, મેસી સાથે ફોટો ખેંચાવા માટે પણ લોકો ૧૦ લાખ રૂપિયા આપવા તૈયાર હતા અને તેના માટે લાંબી લાઈનો લાગી હતી. આ વાત તેમણે સમાજમાં વિદેશી સેલિબ્રિટીઝ પ્રત્યેની અંધભક્તિ દર્શાવવા માટે કહી હતી. તેમણે કહ્યું કે, “આપણે કોણ છીએ, આપણું શું છે, આપણા દેશનો ઇતિહાસ શું છે એ આપણા લોકોને ખબર હોવી જોઈએ.”
તેમના ભાષણ દરમિયાન તેમણે ભારપૂર્વક કહ્યું કે, દેશની સંસ્કૃતિ, વારસા અને ઇતિહાસ પ્રત્યે ગૌરવભાવ જગાવવો જરૂરી છે. જો નવી પેઢી માત્ર ચમકદાર નામો અને વિદેશી ચહેરાઓ પાછળ દોડી જશે, તો દેશના મૂળ મૂલ્યો ભૂલાઈ જશે. તેમણે શિક્ષણ અને સંસ્કાર પર પણ યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી.
નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય ચર્ચા તેજ બની છે. કેટલાક લોકો તેમના નિવેદનને દેશભક્તિ અને આત્મમંથન તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે. જોકે, આ નિવેદન દ્વારા એક મહત્વપૂર્ણ ચર્ચા જરૂર શરૂ થઈ છે કે, શું આપણે આપણા દેશના મહાન ઇતિહાસને ભૂલી રહ્યા છીએ?
કુલ મળીને, લિયોનલ મેસીના ભારત પ્રવાસની ઘટના માત્ર રમતગમત પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેણે સમાજની માનસિક્તા, પ્રાથમિક્તાઓ અને મૂલ્યો અંગે પણ મોટો પ્રશ્ર્ન ઉભો કર્યો છે. નીતિન પટેલના શબ્દોમાં છુપાયેલો સંદેશ એ છે કે, દેશના લોકો ખાસ કરીને યુવાનોને પોતાના ઇતિહાસ, વારસા અને ઓળખ વિશે જાણવું અને ગૌરવ અનુભવવું અત્યંત જરૂરી છે.