દાહોદ: ઘરમાં થતા કંકાસથી સગાભાઈએ ભાઈની હત્યા કરી, મૃતદેહને સળગાવી દીધો

૧૨ ડિસેમ્બરના રોજ સંજેલી તાલુકાના હિરોલા ગામ ખાતે રંગલીઘાટી બસ સ્ટેશનની પાછળના ભાગે સળગાવેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હાથ ધરી હતી.અર્ધબળેલી હાલતમાં મૃતદેહની ઓળખ માટે પોલીસે હાથ પહેરેલા કડા અને સ્માર્ટ વોચના આધારે હ્યુમન સોર્સથી તપાસ કરતા મૃતક યુવક ઝાલોદ તાલુકાના કારઠ ગામનો રોયલ લબાના હોવાનું સામે આવ્યું હતું. હત્યા કોને અને કેમ કરી તે દિશામાં તપાસ માટે એલસીબી, તેમજ ઝાલોદ ડિવિઝનની અલગ અલગ પોલીસ ટીમો કામે લાગી હતી.

પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ દરમિયાન મૃતકના મોટાભાઈ અક્ષય લબાનાની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગી હતી, જેને પગલે પોલીસે અલગ રીતથી અક્ષયની સતત પૂછપરછ કરી હતી. જેમાં તે અલગ અલગ નિવેદન આપતા પોલીસની શંકા વધુ મજબૂત બની હતી અને યુક્તિ પ્રયુક્તિથી અક્ષયની પૂછપરછ કરતા અક્ષય ભાંગી પડ્યો હતો અને હત્યા પોતે જ કરી હોવાની કબૂલાત કરી હતી.

અક્ષયના જણાવ્યા પ્રમાણે તેનો સગો ભાઈ મૃતક રોયલ લબાનાના પારિવારીક ઝગડાઓ અને ઘરકાંકાસથી કંટાળી તેની હત્યા કરવાનો વિચાર મનમાં આવ્યો અને અક્ષય લબાનાએ દાહોદના તોશીફ શેખ નામના પોતાના મિત્રની મદદ લઈ મૃતકને સુરતથી અટગા કાર અપાવવાનું કહી અક્ષય અને તોશિફ કારમાં લઈને વડોદરા સુધી લઈ ગયા હતા. પરત કારઠ આવતી વખતે દાહોદ નજીક સૂઈ ગયેલા રોયલને બંને જણાએ મળી ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. મૃતદેહને કારની ડિકીમાં રાખી બીજા દિવસે સંજેલીના હિરોલા ખાતે અવાવરુ જગ્યામાં પુરાવાનો નાશ કરવા લાશ સળગાવી દઈ ફરાર થઈ ગયા હતા.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મૃતકના ભાઈ અક્ષય લબાના અને તોસિફ શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.