વાહન ચાલકોને ઝટકો, ગુજરાતમાં પીયુસી ની ફીમાં તોતિંગ વધારો, રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયને કારણે રાજ્યભરમાં પીયુસી સટફિકેટની ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો વાહન ચાલકો પર સીધી અસર થવાની છે. અત્યાર સુધી જે પીયુસી સટફિકેટ ઓછી ફીમાં સરળતાથી મળી જતું હતું, હવે તે માટે વાહન ચાલકોને વધારે રકમ ચૂકવવી પડશે.

મળતી માહિતી અનુસાર પીયુસીના દરોમાં રૂ. ૧૦થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અલગ-અલગ પ્રકારના વાહનો માટે પીયુસીની ફી અલગ હોય છે અને હવે આ તમામ કેટેગરીમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ટુ વ્હીલર, કાર, ઓટો રિક્ષા અને વ્યાવસાયિક વાહનો ચલાવતા લોકો માટે આ વધારો બોજરૂપ સાબિત થવાની શક્યતા છે.

પીયુસી સટફિકેટ દરેક વાહન માટે ફરજિયાત છે. વાહન ચલાવતા સમયે જો પીયુસી માન્ય ન હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવે છે. એટલે વાહન ચાલકો પાસે વિકલ્પ નથી કે તેઓ પીયુસી ન કઢાવે. આવી સ્થિતિમાં ફીમાં થયેલો વધારો દરેક વાહન માલિકને સહન કરવો પડશે. રાજ્યમાં લાખોની સંખ્યામાં વાહનો નોંધાયેલા છે. તેમાં શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો રોજિંદા કામ માટે વાહનોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને મયમ વર્ગ અને સામાન્ય નાગરિકો માટે આ વધારો મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે પહેલેથી જ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. હવે પીયુસીની ફીમાં વધારો થતાં કુલ ખર્ચ વધુ વધશે.