કડાણા તાલુકાના પુરવઠા નિગમના ખેડુતોના બોગસ ઉતારા અને તલાટીના ખોટા દાખલા મેળવી બહારથી અનાજ લાવી સરકારી ભાવ મેળવવાનુ કોૈભાંડ થયુ હોવાના આક્ષેપ સાથે ખેડુત દ્વારા કરાયેલી લેખિત રજુઆતને પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ટીડીઓ અને મામલતદારને તપાસ કરી અહેવાલ રજુ કરવા આદેશ કર્યાને ત્રણ માસ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહિ હોવાનુ જાણવા મળેલ છે.
કડાણા તાલુકાના અન્ન નાગરિક પુરવઠા નિગમમાં ખેડુતોના ૭/૧૨ અને ૮/અ ના બોગસ ઉતારા અને તલાટીના ખોટા દાખલા મેળવી બહારથી અનાજ લાવી સરકારી ભાવ મેળવવાનુ મોટાપાયે કોૈભાંડ થયુ હોવાના આક્ષેપ સાથે કડાણા તાલુકાના ઝીંઝવા ગામના પટલ હરીશકુમાર વીરાભાઈએ ગાંધીનગર ખાતે અન્નય અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જે સંબંધે નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ સોંપી હોવાનુ જાણવા મળેલ છે. જેના અનુસંધાને જિલ્લ પુરવઠા અધિકારી દ્વારા ટીડીઓ અને મામલતદારને આ બાબતે તલસ્પર્શી તપાસ કરી ગત મે-૨૦૨૬ ના પત્રથી ઓનલાઈન થયેલ નોંધણીના આધારે ખેડુતો અને તેના પુરાવા, તલાટીઓના પ્રમાણપત્રોની ચકાસણી કરી અહેવાલ રજુ કરવા જણાવ્યુ હતુ. જે આદેશને પણ ત્રણ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં ટીડીઓ એ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નહિ હોવાનુ જાણવા મળેલ છે. જયારે આ બાબતે ટીડીઓ કે.બી.મોઢ પટેલનો સંપર્ક સાધતા તેઓ પોતે ગત તા.૪મેના રોજ હાજર થયા હોવાનુ અને જિલ્લા પુરવઠા અધિકારીના પત્રની તેમને કોઈ જાણકારી નહિ હોવાનુ જણાવી આ બાબતે તપાસ કરાવવાનુ જણાવ્યુ હતુ.