જસદણમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ: ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતા ખળભળાટ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બેફામ ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટ રેન્જ દ્વારા જસદણ પંથકમાં પાડવામાં આવેલા દરોડામાં એક મોટો ધડાકો થયો છે, જેમાં ખુદ શાસક પક્ષના જ એક હોદ્દેદારનું નામ સામે આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણ પંથકમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા અને ત્યારબાદ થયેલી પ્રાથમિક તપાસમાં જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ચંકિત રામાણીનું નામ મુખ્ય આરોપી તરીકે ખુલ્યું છે. આરોપ છે કે ખુદ તાલુકા પ્રમુખ જ આ ગેરકાયદે ખનન અને ખનીજ ચોરીના નેટવર્ક સાથે સીધી રીતે સંકળાયેલા હતા.

દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ખનીજ ચોરીમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતા સાધનો અને મશીનરી મળી આવી હતી. સત્તાધીશોએ સ્થળ પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતું ટ્રેક્ટર, ચકરડી સહિત કુલ ૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડીને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

એક તરફ સરકાર ગેરકાયદે ખનન સામે કડક કાયદાની વાત કરે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ તાલુકા પ્રમુખનું નામ આ કૌભાંડમાં ઉછળતા વિપક્ષ અને સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે જસદણ અને રાજકોટના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ માટે ખાણ અને ખનીજ વિભાગને પણ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ વિસ્તારમાં કેટલા સમયથી ખનન ચાલતું હતું અને કુલ કેટલા રૂપિયાના ખનીજની ચોરી થઈ છે તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે.