ઝાલોદમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

બંને પક્ષોએ સામસામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે નોંધાવી ફરિયાદ, પોલીસે હાથ ધરી તપાસ

ઝાલોદ તાલુકાના પડીમહુડી ગામે ખેતરમાં વાવણીને લઈને લાંબા સમયથી ચાલતા જમીન વિવાદે ઉગ્ર સ્વ‚પ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. ઘટનામાં બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં બંને પક્ષોએ ઝાલોદ પોલીસ મથકે એકબીજા વિ‚દ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શ‚ કરી છે.

ફરિયાદ મુજબ, માનસીંગભાઈ મડીયાભાઈ ડીડોર પોતાના પરિવારજનો સાથે ૩૦ જુલાઈના રોજ ખેતરમાં વાવણી કરવા ગયા હતા. તે દરમિયાન ગામના રામસીંગભાઈ મલાભાઈ ચારેલ, કાળાભાઈ મલાભાઈ ચારેલ, મસુલભાઈ મલાભાઈ ચારેલ અને વિજયભાઈ દલુભાઈ ચારેલ ત્યાં આવી ખેતરમાં વાવણી કરવાનો વિરોધ કરી ઝપાઝપી શ‚ કરી હતી.

આક્ષેપ મુજબ ચારેય શખ્સોએ લાકડીઓ અને ગડદાપાટુ વડે હુમલો કરતાં નીલેશભાઈ ડીડોરના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે માનસીંગભાઈ, સંજયભાઈ અને કલ્પેશભાઈને પણ શરીરના વિવિધ ભાગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રથમ ઝાલોદ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધૂન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, જનતાબેન રામસીંગભાઈ ચારેલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે માનસીંગભાઈ ડીડોર તેમના ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા, જેને રોકવા જતાં માનસીંગભાઈએ ગોફણ વડે પથ્થર માર્યો હતો, જે તેમના ડાબા કાનના ભાગે વાગતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ મહેશભાઈ માનસીંગભાઈ ડીડોર દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ સંજયભાઈ ડીડોર દ્વારા મારામારી કરવામાં આવી હતી.

જનતાબેનને પ્રાથમિક સારવાર બાદ દાહોદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં કાનના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ હુમલાખોરોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.

પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે ગુનાઓ નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જમીન વિવાદને કારણે બનેલી આ ઘટનાની વધુ તપાસ ઝાલોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.