
છોટા ઉદેપુર જિલ્લા LCBએ તેજગઢ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નિશાન સન્ની ગાડીમાંથી ₹63,750ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો, જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે GJ 23 AF 3357 નંબરની નિશાન સન્ની ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે તેજગઢ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીની ડિકી પાસે બ્રેક લાઈટના ભાગમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 675 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹63,750 આંકવામાં આવી છે.
LCB ટીમે દારૂ અને નિશાન સન્ની ગાડી સહિત મિતકુમાર ભુપેન્દ્રભાઈ પંચાલ (રહે. નીલાંબર બંગલો 2, મકાન નં.4, ગુરુકુલ ચાર રસ્તા, વડોદરા) અને રવિભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે. ગાજરાવાડી, સુવેજ પમ્પિંગ સ્ટેશન, વિશ્વકર્મા નગર, વડોદરા)ની ધરપકડ કરી છે. કુલ ₹3,79,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવી રહી છે.