
બોડેલી અને આસપાસના વિસ્તારોમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. આ પવિત્ર પર્વ નિમિત્તે મંદિરોમાં પૂજા અર્ચના માટે કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓની ભીડ જોવા મળી હતી. અષાઢ સુદ તેરસથી શ થતા આ પાંચ દિવસીય વ્રત શિવ-શક્તિની ઉપાસનાનું પવિત્ર પર્વ છે. બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે.
વ્રતના પ્રથમ દિવસે સવારથી જ બોડેલીના રામજી મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, ઢોકલીયા-ચાચકના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર અને અલીપુરાના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર જેવા વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. રાજુભાઈ પુરોહિતના ઘરે પણ દર વર્ષની જેમ કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓ પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
કુંવારિકાઓ દ્વારા ઉત્તમ પતિ અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે ગૌરી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત માટે તેઓ અગાઉથી જ પોતાના ઘરે વાંસની નાની ટોપલીમાં જવારાની સ્થાપના કરે છે. જ્યારે સુવાસિની મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે જયા પાર્વતી વ્રત કરે છે. આ બંને વ્રત કરનારી મહિલાઓ વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના માટે પહોંચી ગઈ હતી, જેના કારણે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી.