
બોડેલીની ખત્રી વિદ્યાલયે તાલુકા કક્ષાની વોલીબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વયજૂથ અને સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. ખત્રી વિદ્યાલય ખાતે બોડેલી તાલુકાની શાળાકીય વોલીબોલ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ વયજૂથના ભાઈઓ અને બહેનોની કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. ખત્રી વિદ્યાલયે ત્રણેય વયજૂથમાં ભાઈઓ અને બહેનોની કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
આ ઉપરાંત, જબુગામ ખાતે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં પણ ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગોળાફેંક, ચક્રફેંક અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ વિજેતા ખેલાડીઓ હવે આગામી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં બોડેલી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય યુ. વાય. ટપલા, વ્યાયામ શિક્ષક એમ. એમ. ઠાકોર અને ટ્રસ્ટી મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમને જીલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને શાળા તથા તાલુકાનું નામ રોશન કરવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.