“મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર – સુદૃઢ સંપર્ક – સમૃદ્ધ ભારત રૂ. ૬ કરોડના ખર્ચે પુનઃવિકસિત ગોધરા જંકશન: પંચમહાલના વિકાસની નવી જીવાદોરી

“અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકસિત ગોધરા જંકશનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણઙ

વિકાસની હરોળમાં ગોધરા: રેલવે સ્ટેશન પર યાત્રી સુરક્ષા અને સુવિધાઓનું નવું નજરાણું.

ગોધરાવાસીઓની વર્ષો જૂની આકાંક્ષાઓ થઈ પૂર્ણ: પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા,

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે ‚. ૬ કરોડના ખર્ચે પુન:વિકસિત થયેલા ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ આ દિવસને સમગ્ર પંચમહાલ જીલ્લા માટે એક ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ ગણાવતા જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન માત્ર મુસાફરીનું માધ્યમ નથી, પરંતુ તે આ વિસ્તારની આર્થિક અને સામાજીક પ્રગતિની જીવાદોરી સમાન છે. દેશભરમાં પુન:વિકસિત થઈ રહેલા સ્ટેશનોની યાદીમાં ગુજરાતના ચાર સ્ટેશનો સહિત ગોધરાને પણ આધુનિક રેલવે યુગની અદભુત ભેટ મળી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કુલ ૮૭ સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, જેમાંથી ૧૮ સ્ટેશનો તો અગાઉ મે-૨૦૨૫માં જ દેશને સમર્પિત કરી દેવાયાં છે. આમ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં વિકાસના કાર્યો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યાં છે, તેમ તેમણે વિશ્ર્વાસપૂર્વક જણાવ્યું હતું.

આધુનિક સુવિધાઓથી સજ્જ ગોધરા જંકશનના વિકાસ બદલ તથા ગોધરાવાસીઓની જૂની આકાંક્ષાઓ પૂર્ણ થવાના અવસરે પ્રભારી મંત્રીએ સમગ્ર ગોધરાવાસીઓ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદ રાજપાલસિંહ જાદવે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકસિત થયેલું ગોધરા જંકશન હવે આધુનિક સુવિધાઓ, સુરક્ષા અને સ્થાનિક સંસ્કૃતિના અદભુત સમન્વય સાથે તૈયાર છે. સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગનું નવીનીકરણ, દ્વિતીય પ્રવેશ દ્વારનું નિર્માણ, પહોળા કરાયેલા પ્લેટફોર્મ્સ, ૪ આધુનિક લિફ્ટ અને સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા યાત્રીઓની અવરજવરને અત્યંત સરળ અને સુરક્ષિત બનાવશે. આ ઉપરાંત, દિવ્યાંગજનો માટે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સાઈનેજ સિસ્ટમ જેવી સ્માર્ટ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ તમામ વૈશ્ર્વિક સ્તરના ફેરફારોની સાથે, સ્ટેશન પરિસરમાં ગુજરાતના અને સ્થાનિક સંસ્કૃતિના ભવ્ય વારસાને કલાત્મક રીતે કંડારીને ગોધરા સ્ટેશનને એક અનન્ય અને ગૌરવશાળી ઓળખ આપવામાં આવી છે, તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડો. જસવંતસિંહ પરમારે જણાવ્યું કે, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગોધરા રેલવે સ્ટેશનનો ’અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે, જેનું ખાતમુહૂર્ત થાય છે તેનું લોકાર્પણ પણ થાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ નવનિર્મિત ગોધરા સ્ટેશન છે. રેલવેને દેશની જીવાદોરી ગણાવતા તેમણે વર્ષ ૨૦૧૪ અને હાલની સ્થિતિની સરખામણી કરી માહિતી આપી કે, ૨૦૧૪માં માત્ર ૩૩% રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું, જે આજે વધીને ૯૯.૬% (આશરે ૭૦,૦૦૦ કિલોમીટર) થઈ ગયું છે. આ પરિવર્તનથી કરોડો લીટર ડીઝલની બચત થઈ છે અને પ્રદૂષણ ઘટ્યું છે. આ ઉપરાંત, તેમણે દેશમાં દોડતી ૧૩૫થી વધુ વંદે ભારત ટ્રેનો, મુસાફરીના સમયમાં થયેલો ૩૦% થી ૫૦% નો ઘટાડો, સુરક્ષા માટે અમલી બનેલી ’કવચ ૪.૦’ ટેકનોલોજી અને રેલવે સ્ટેશનોમાં સ્વચ્છતા તેમજ સુવિધાઓમાં થયેલા અભૂતપૂર્વ સુધારા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જીલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ, એ.પી.એમ.સી.ના અધ્યક્ષ, જીલ્લા કલેક્ટર અજય દહિયા, નિવાસી અધિક કલેક્ટર જે. જે. પટેલ, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.