પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

પંચમહાલ:શુક્રવાર પંચમહાલ જિલ્લા કક્ષાની જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ-નિયંત્રણ કમિટી (‘દિશા’ – DISHA Committee) ની  બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે  સાંસદશ્રી રાજપાલસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાકલ્યાણ અર્થે ચલાવવામાં આવતી વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓની પ્રગતિ તેમજ લોકો સુધી તેના લાભો પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સાંસદએ ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને લોકાભિમુખ કામગીરી કરવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લાના પાયાના વિકાસ સાથે જોડાયેલી વિવિધ સરકારી યોજનાઓ પૈકી મુખ્યત્વે કૃષિ અને પશુપાલન વિભાગ અંતર્ગત ચાલતી ઈ-નામ (e-NAM), રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY), પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન યોજના, અને રાષ્ટ્રીય પશુધન મિશન (NLM) જેવી યોજનાઓ,આરોગ્ય અને શિક્ષણ વિભાગ હેઠળની રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM), આયુષ્માન ભારત ડિજિટલ મિશન, પીએમ જન આરોગ્ય યોજના (PMJAY) તેમજ શિક્ષણ વિભાગ અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ની પ્રગતિ ચકાસવામાં આવી હતી.ગ્રામિણ અને શહેરી વિકાસ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, જળ જીવન મિશન (JJM), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MGNREGA), અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના (DDUGKY) તથા સામાજિક સુરક્ષા અને રોજગાર હેઠળ ચાલતી રાષ્ટ્રીય સામાજિક સહાયક કાર્યક્રમ (NSAP), પીએમ ઉજ્જવલા યોજના (PMUY), અટલ પેન્શન યોજના (APY), પીએમ સ્વનિધિ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી

બેઠકના અંતે જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર નોડલ અધિકારી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામકશ્રી દ્વારા તમામ અધિકારીઓને બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું હતું. સરકારી યોજનાઓની અમલીકરણ પ્રક્રિયામાં વિવિધ વિભાગ દ્વારા યોગ્ય સંકલન સાધીને લક્ષ્યાંકો પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ રાજ્ય સભા સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય સર્વે શ્રી ફતેસિંહ ચૌહાણ,શ્રીમતી નિમિષા સુથાર,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય,નિવાસી અધિક કલેકટર શ્રી જે જે પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.