મહિસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી વીજ વાયર ચોરોની ટોળકીએ ત્રાસ ફેલાવ્યો છે. રાતના સમયે ખેતરોમાં જઈને કુવા તેમજ ગામના વોટર વર્કસના કુવા ઉપરના મોટરના કેબલ વાયરો કાપી લઈ જવાની ધટનાઓમાં સતત વધારો થતાં ખેડુતોની ઉંઘ હરામ થઈ છે.
વાયર ચોરીની ધટનાઓને કારણે ખેડુતોને ખેતી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટરના વાયરો કપાઈ જતાં સમયસર પિયત ન થઈ શકવાના કારણે ઉભા પાકોને પણ નુકસાન થવાનો ભય છે. ખાતુપગીના મુવાડા, વાકોડા, રાઘવના મુવાડા, કોઠંબા, ખારોલ, પાલ્લા વગેરે ગામ ઉપરાંત અન્ય ગામોમાં પણ વીજ ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે. સોૈથી ચોંંકાવનારી બાબત એ છે કે, કેટલાક ખેડુતોના કુવા ઉપર ચોર ટોળકીએ બે થી ત્રણ વખત વાયરો કાપીને લઈ ગયા છે.વાયરો નાંખે એટલે ફરી ચોરી જાય છે. એક વખત વાયરો નાંખવાની ખર્ચ ૫ થી ૧૦ હજાર પિયા સુધીનો થાય છે. જેના કારણે ગરીબ ખેડુતોની હાલત કફોડી બની છે. ખેડુતોએ આક્ષેપ કર્યો છે કે, આ કામ કોઈ સંગઠિત તસ્કર ટોળકીનુ છે. જે રાત્રિના સમયે ખેતરોમાં ફરીને કોપર વાયરોની ચોરી કરી જાય છે. આ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. ખેડુતોએ પોલીસ તંત્ર અને વીજ કંપનીને વહેલી તકે પેટ્રોલિંગ વધારીને આ ટોળકીને ઝડપી પાડવા માંગ કરી છે.