
જામનગરમાં ગરીબ વિદ્યાર્થીનીઓ માટેની સરકારી સાઇકલ ગામના જ ભૂતપૂર્વ સરપંચે વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સરસ્વતી યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને સાઇકલ આપવાની જાહેરાત થઈ છે. આ વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે સાઇકલો વેચવાનો નિર્ણય સરકારે લીધો હતો. જોડિયાના જસાપર ગામના પૂર્વ સરપંચે સાઇકલો વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ સરપંચ ઘરેથી ૨,૫૦૦માં સાઇકલ વેચતા હોવાનું સામે આવ્યું છે. આમ ગરીબ વિદ્યાર્થીનીના હક્ક પર રીતસર તરાપ મારવામાં આવી છે. તંત્રએ ગરીબ વિદ્યાર્થીનીઓ માટેની યોજનાની ઐસી કી તૈસી કરી નાખી છે. આ ઉદાહરણ છે કે સરકાર દ્વારા સ્પષ્ટપણે નાણાકીય ફાળવણી કરવામાં આવતી હોવા છતાં યોજનાઓની શું ગતિ થાય છે.
સરકારે ગરીબ વિદ્યાર્થીની માટેની યોજના પાછળ ભંડોળ ફાળવી દીધુ, સાઇકલ પણ આવી ગઈ, પરંતુ તે ગરીબ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નહી. આ છે તંત્રની અકળ ગતિ. આ જ છે તંત્ર દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર. આ પ્રકારના ભ્રષ્ટાચારમાં તો પછી ભલભલી યોજનાઓ લાવવામાં આવે પણ પરિણામ તો કશું જ ન આવે. બધુ કાગળ પર બરોબર રહે, પરંતુ વાત જ્યારે હકીક્તની થાય ત્યારે તેમા કશું જ જોવા ન મળે. કાગળ પર બધું સરસ, પણ હકીક્તમાં યોજનાનો તંત્રએ ધજાગરો જ કરી નાખ્યો હોય છે. આ સંજોગોમાં પ્રજાકીય સુખાકારીનું યેય ક્યાંથી પૂરુ થાય. પ્રજા ઉપર કઈ રીતે આવે.. કેટલી આશ્ર્ચર્યની વાત છે કે ગરીબો સુધી તંત્રની પહોંચ નથી, પણ સરકારના રૂપિયા સુધી કૌભાંડીઓની પહોંચ ચોક્કસ છે. આ દિશામાં વિચાર કરવાની જરૂર છે.