શહેરા પોલીસ મથકન અપહરણ ગુનામાં વોન્ટેડ આરોપીને ગાંધીનગરના સરગાસણથી ઝડપ્યો

શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપીને પોલીસે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સીસની મદદથી ગાંધીનગરના સરગાસણ ખાતેથી દબોચી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરવાની સાથે ભોગ બનનારને પણ હેમખેમ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા પંચમહાલના ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સફીન હસન દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના પગલે પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા અને પો.સ.ઇ. બી.એમ. રાઠોડના નેતૃત્વમાં એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શ‚ કરાયો હતો.પેરોલ ફ્લો સ્ક્વોડના આ.હે.કો. રમેશભાઈ વાધજીભાઈને ચોક્કસ હ્યુમન સોર્સીસ અને આધુનિક ટેકનિકલ એનાલીસીસના માધ્યમથી એક મહત્વની બાતમી મળી હતી જેમાં શહેરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ કલમ-૧૨ મુજબના અપહરણના ગુનાનો આરોપી પ્રીતેશ ઉર્ફે સચીન જુવાનસિંહ બારીયા રહે. વાધજીપુર મતિયા ફળિયું, તા. શહેરા, જી. પંચમહાલ હાલ ગાંધીનગર જીલ્લાના મોજે-સરગાસણ ખાતે છુપાયેલો છે. ચોક્કસ માહિતી મળતાની સાથે જ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ તુરંત એક્શનમાં આવી હતી અને ગાંધીનગરના સરગાસણ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી પ્રીતેશ ઉર્ફે સચીન બારીયાને રાઉન્ડઅપ કરી હસ્તગત કર્યો હતો. આ સાથે જ ગુનામાં ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવી હતી.પોલીસે આરોપી અને ભોગ બનનાર બંનેને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદાકીય તપાસ અને કલમો હેઠળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ પૂર્ણ કરવામાં આવી હતી.