ગોધરા સ્ટ્રાઈકર્સે કોમી એકતા ટુર્નામેન્ટ જીતી:રાજન ટીમને 33 રને હરાવી ટ્રોફી, ₹11 હજાર ઇનામ મેળવ્યું

ગોધરામાં આયોજીત કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગોધરા સ્ટ્રાઈકર્સે વિજય મેળવ્યો છે. ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા રોયલ ઈન બોક્સ ખાતે સલમાન હુરી અને સુલેમાન યાયમનના આયોજન હેઠળ આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.

ગત મોડી રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં ગોધરા સ્ટ્રાઈકર્સ અને રાજન ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. ગોધરા સ્ટ્રાઈકર્સે રાજન ટીમને ૩૩ રને પરાજય આપી ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

ગોધરા સ્ટ્રાઈકર્સ ટીમની વિશેષતા એ હતી કે તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના ખેલાડીઓ સાથે મળીને રમ્યા હતા, જેણે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ટુર્નામેન્ટના અંતે, વિજેતા ટીમને ટ્રોફી સાથે ₹11,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. રનર-અપ ટીમને ટ્રોફી સાથે ₹5,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટ દરમિયાન, ગોધરા મેડિકલ સ્ટોરના અનસભાઈ દ્વારા ખેલાડીઓ અને ઉપસ્થિત લોકોને નિ:શુલ્ક ઘછજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટે માત્ર રમતગમતને જ નહીં, પરંતુ સામાજીક સૌહાર્દ, ભાઈચારો અને એકતાનો પણ સુંદર સંદેશ આપ્યો હતો.