
પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રામ વિકાસના મુદ્દાઓ અંગે ગ્રામજનોને અપાઈ વિસ્તૃત માહિતી.
ઝાલોદ તાલુકામાં વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૫ જૂનના રોજ વિવિધ ગ્રામ પંચાયતોમાં તાલુકા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં વિશેષ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના સરપંચો, તાલુકા સભ્યો, પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામસભા દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને જવાબદાર સામુદાયિક જનજાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઘન અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ, કચરાના વર્ગીકરણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો તેમજ ખાતર બનાવવાની પદ્ધતિઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
જલ શક્તિ મંત્રાલયના સ્વચ્છ ગામ, સુરક્ષિત જલવાયુ અભિયાન અંગે જાગૃતિ લાવવામાં આવી હતી અને ગામના જાહેર સ્થળો તથા જળસ્ત્રોતોની સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી નિર્મળ ગામ યોજના, અટલવાડી યોજના, સક્ષમ ગામ સમૃદ્ધ ગામ યોજના, વતનપ્રેમ યોજના અને ગ્રામોત્થાન યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ગ્રામસભામાં મનરેગા અંતર્ગત શ્રમિકોના ઈ-કેવાયસી, પીએમ આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છતા અભિયાન, શાળા પ્રવેશોત્સવ, આંગણવાડી પ્રવેશ, કુપોષણ નિવારણ, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ, પીએમ કિસાન યોજના હેઠળ ઈ-કેવાયસી તેમજ શાળા છોડનાર બાળકોના પુન:પ્રવેશ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓએ ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામસભાની કાર્યવાહીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેનો અહેવાલ સંબંધિત પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગપે યોજાયેલી આ ગ્રામસભાઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ સાથે ગ્રામ વિકાસ અને સરકારની યોજનાઓ અંગે લોકોમાં વધુ સક્રિય ભાગીદારીનું વાતાવરણ સર્જાયું હતું.