ગરબાડામાં પોલીસ અને વેપારીઓ-ટ્રાન્સપોર્ટરો વચ્ચેની બેઠક સફળ : હડતાલની અફવાઓનો અંત, વાહનવ્યવહાર પૂર્વવત રહેશે

ગરબાડા પોલીસ મથકે પોલીસ સ્થાનીક વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ ગાડીઓના માલિકો વચ્ચે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સુખદ સમાધાન આવ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગાડીઓની કોઈ હડતાલ નથી અને તમામ વાહનો નિયમિત રીતે ચાલુ રહેશે.

છેલ્લા થોડા સમયથી પોલીસ દ્વારા નિયમભંગ બદલ ટ્રાન્સપોર્ટની ગાડીઓને મેમો આપવામાં આવ્યા હતા. આ મેમોની કાર્યવાહીને પગલે ટ્રાન્સપોર્ટરોમાં નારાજગી વ્યાપી હતી. જેના કારણે સ્થાનિક બજારમાં ટ્રાન્સપોર્ટની ગાડીઓ આવતી બંધ થઈ ગઈ હતી. ગાડીઓ ન આવવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગરબાડાના વેપારીઓએ આ બાબતે ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર (pi) સમક્ષ રજૂઆત કરી હતી.

વેપારીઓની રજૂઆત અને ટ્રાન્સપોર્ટરોના પ્રશ્નોને ધ્યાને લઈને ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાદડિયા દ્વારા પોલીસ મથક ખાતે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં તમામ પક્ષો વચ્ચે હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને કાયદાકીય નિયમોના પાલન સાથે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સુવ્યવસ્થિત રીતે ચલાવવા અંગે ચર્ચા થઈ હતી.

પીઆઈ એસ.એમ. રાદડિયાની મધ્યસ્થતા અને યોગ્ય માર્ગદર્શનના કારણે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને ખાતરી આપી છે કે કોઈ હડતાલ રાખવામાં આવી નથી અને તમામ ગાડીઓ નિયમિત રીતે દોડતી રહેશે, જેથી વેપારીઓને માલસામાનની હેરફેરમાં કોઈ તકલીફ ન પડે. મામલો થાળે પડતાં વેપારી મહામંડળ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન બંનેએ ગરબાડા પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.