
માય ભારત દાહોદ, પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી અને વન વિભાગ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આજ રોજ લીમડીના મુક્તિધામ ખાતે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંલગ્ન માય ભારત દાહોદ, પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી તથા વન વિભાગ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના સંદેશ સાથે વિવિધ જાતિના ૮૦ વૃક્ષોના રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ સમજાવતાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે વન વિસ્તરણ અધિકારી, લીમડી ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન, ડેપ્યુટી સરપંચ કુલદીપભાઈ, અલકેશભાઈ વૈરાગી (પ્રકૃતિ મિત્ર મંડળ, લીમડી), રાષ્ટ્રીય યુવા કર્મી હિમાંશુ કુમાર લબાના તથા મહેશભાઈ કટારા (માય ભારત, દાહોદ) સહિતના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અને કુદરતી સંસાધનોના સંવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સહભાગી બની વૃક્ષોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અલ્પાહાર સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.